ધુમ્મસને લીધે ઉ.ભારતમાં ટ્રેન-વિમાન સેવાને અસર
નવી દિલ્હી, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કેર હજુ પણ યથાવત છે જેના પગલે આજે પણ ઘણી ટ્રેન મોડી દોડી રહી છે તેમજ અનેક ફ્લાઈટ્સમાં ડાયવર્ટ કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે.
નોઈડા સહિત સમગ્ર ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ૫ દિવસ સુધી લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગઈકાલે દિવસભર ધુમ્મસ છવાયેલી હતી.
ગઈકાલે રાત્રે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ઠંડા પવનો સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી જેના કારણે અનેક રોડ અકસ્માત થયા હતા. આજે પણ અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન અને ફ્લાઈટ સેવા પ્રભાવિત થઈ છે.
સમગ્ર ઉત્તર ભારતમાં ઘણી ટ્રેન મોડી દોડી રહી છે જેનાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઈટ્સમાં મોડી આવી રહી છે તો એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. SS2SS