દેશમાં કોરોનાના એક જ દિવસમાં 797 કેસ નોંધાયા: 5 દર્દીનાં મોત થયા
નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૮ ડિસેમ્બર સુધીમાં નવા વેરિયન્ટ જેએન.૧ના કુલ ૧૪૫ કેસો સામે આવી ચુક્યા છે. બીજી તરફ કોરોના કેસો વધતા આરોગ્ય મંત્રાલય પણ સતર્ક થઈ ગયું છે અને લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.
આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું કે, ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૯૭ નવા કેસો નોંધાયા છે, જે ૨૨૫ દિવસ બાદ સૌથી વધુ છે. અગાઉ ૧૯ મેએ દેશમાં કોરોનાના ૮૬૫ કેસ નોંધાયા હતા. હાલ સક્રિય કેસોની સંખ્યા ૪૦૯૧ છે. મંત્રાલય દ્વારા આજે સવારે ૮ કલાકે અપાયેલા ડેટા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫ કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત થયા છે, જેમાંથી કેરળમાં ૨ અને મહારાષ્ટ્ર, પુડુચેરી, તમિલનાડુમાં ૧-૧નું મોત નિપજ્યું છે.
દેશમાં જેએન.૧ સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોનનો સબ-વેરિયન્ટ બીએ.૨.૮૬માંથી ઉદભવ્યો છે. ૨૦૨૨ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ બીએ.૨.૮૬ જ હતો. બીએ.૨.૮૬ વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, બીએ.૨.૮૬માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ જેએન.૧ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, જેએન.૧ ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફાર ડિજીજ કંટ્રોલ (સીડીસી)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.
સીડીસીના જણાવ્યા મુજબ કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧થી પીડિત દર્દીમાં તાવ, ઠંડી લાગવી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, માથું દુઃખવું, સ્નાયુમાં દુઃખાવો, સ્વાદ અથવા ગંધ પારખવામાં સમસ્યા, ગળામાં ખરાશ, નાક વહેવું, ઉબકા, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. જોકે કેટલાક કેસોમાં લક્ષણો દર્દીની ઈમ્યૂનિટી પર નિર્ભર છે.
નવા વેરિયન્ટમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે, સ્વસ્થ થવા છતાં દર્દીમાં લક્ષણો યથાવત્ રહે છે, જેમાં માથું દુઃખું, થાક લાગવો, શ્વાસની સમસ્યા સામેલ છે. ડૉક્ટરોનું કહેવું છે કે, ઓછામાં ઓછા ૪થી ૬ અઠવાડિયા બાદ દર્દી આ લક્ષણોમાંથી બહાર આવે છે.