ચાઇનીઝ દોરીથી એક વ્યક્તિનું ગળું કપાયું
(એજન્સી)રાજકોટ, પોતાની મજા માટે બીજાને સજા દેવાની જરૂર નથી. આ શબ્દો ચાઈનીઝ દોરીનો ભોગ બનેલા પીડિત પરિવારના સભ્યોના છે. જી હા, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે બધા પતંગની દોરી ખરીદી રહ્યા છે. લોકોને અપીલ છે કે, ચાઇનીઝ દોરીની ખરીદી કરવી જોઈએ નહીં. ચાઇનિઝ દોરીનો ભોગ પક્ષીઓ, માણસ બને છે.
ગળા કપાઈ જવાના કારણે મોતને ભેટે છે. તેમજ લોકો ઘાયલ થઇ જાય છે. કેટલીક વખત આ ઇજા એટલી ગંભીર હોય છે કે, જીવનભર વ્યક્તિ લાચાર બની જાય છે. રાજકોટના કાલાવડ રોડ ઉપર રહેતા ભરતભાઇ વલ્લભભાઇ વાજા(ઉં.વ.૪૦) ચાઈનીઝ દોરીનો ભોગ બન્યાં હતા. ભરતભાઈએ ગળાના ભાગે ઇજા પહોંચી હતી. ઇજાના કારણે ગળામાં ૧૨ જેટલા ટાંકા આવ્યાં હતાં.
પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. ગળાના ભાગે ઇજા થતા ભરતભાઇના પરિવારના સભ્યો ચિંતાગ્રસ્ત થઇ ગયા હતા. જોકે સદનસીબે મોટી જાનહાનિ થઈ ન હતી. ઉત્તરાયણ પહેલા જ લોકો ચાઇનીઝ દોરીનો ભોગ બની રહ્યા છે. ભરતભાઇ વાજાનાં ભાઈ ધર્મેન્દ્રભાઇ વાજાએ જણાવ્યું હતું કે, ભરતભાઇ અમારા પરિવારનાં મોભી છે.
કમાનાર વ્યક્તિ છે. તેના ગળામાં ઇજા થઇ છે. અમારા પરિવારમાં કમાનાર કોઇ વ્યક્તિ નથી. અમે કઈ સ્થિતિમાં મુકાયા છીએ તે અમે જ જાણીએ છીએ. ચાઈનીઝ દોરીના કારણે આ ઘટના બની છે. લોકોને અપીલ છે કે, બીજા સાથે આવી ઘટના ન બને તે માટે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. મારા ભાઇના પાંચ ઓપરેશન આ પહેલા થયા હતા. ત્યારે લાંબા સમયે સાજા થયા હતા. આ ઘટનાથી પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છીએ. ભરતભાઇના પત્ની રંજનબેને કહ્યું હતું કે, મારા પતિ ચાઈનીઝ દોરીનો ભોગ બન્યા છે.