Western Times News

Gujarati News

રીયલ એસ્ટેટ માર્કેટ 40 હજાર કરોડને પાર થઈ ગયુ છે અને દર વર્ષે 12 થી 15 ટકાનો વધારો

હવેથી સુપર બીલ્ટઅપ એરીયાના બદલે રેરા એરીયા મુજબ બિલ્ડરો પ્રોપર્ટીનું વેચાણ કરશે-નવી પદ્ધતિ ગેમ ચેઈન્જર સાબીત થવાનો બિલ્ડરોનો દાવો : પ્રોપર્ટીના ભાવ નહીં વધે પણ વ્યવહારમાં વધુ પારદર્શકતા આવશે

અમદાવાદ, ક્રેડાઈ અમદાવાદે સુપર બીલ્ટઅપ એરીયાના આધાર પર મિલકતોને વેચવાની જુની પ્રથા સમાપ્ત કરવાની જાહેરાત કરી હવેથી સુપર બીલ્ટઅપ એરીયાના બદલે રેરા એરીયા મુજબ બિલ્ડરો પ્રોપર્ટીનું વેચાણ કરશે તેવો નિર્ણય જાહેર કર્યો છે. આ ફેરફારથી મિલકતોનાં ભાવમાં કોઈ ફરક નહીં પડે પરંતુ ગ્રાહક ફલેટ કે શોપ્સ કેટલા ચોરસ ફૂટના છે તે સ્પષ્ટ જાણી શકશે એમ ક્રેડાઈ અમદાવાદનાં પ્રેસીડેન્ટ ધ્રુવ પટેલે પત્રકારોને જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી ડયુઅલ સેલીંગ પદ્ધતિ રેરા એરીયા અને સુપર બીલ્ટઅપ એરીયા મુજબ ચાલુ છે તેને હવે દુર કરવાની છે. હવેથી પ્રોપર્ટી બોકસ કિંમતમાં દર્શાવવામાં આવશે અને ફકત રેરા એરીયા પ્રમાણે વિસ્તારનો ઉલ્લેખ કરવામાં આવશે.

આ પદ્ધતિનાં અમલથી માત્ર પ્રોપર્ટીની વેચાણ કરવાની પદ્ધતિ બદલાઈ રહી છે. આથી તેના કારણે પ્રોપર્ટીનાં ભાવમાં કોઈ વધારો કે ફેરફાર થશે નહિં. આનાથી પ્રોપર્ટી ખરીદનારાઓને સાઈઝ અને ફેસિલીટી અને ઈન્ફાસ્ટ્રકચર વિશે ‘એપલ ટુ એપલ’ તુલના કરવા અને તે અનુસાર નિર્ણય લેવામાં સુગમતા મળશે. આ એક પ્રજાલક્ષી ઈનિશિયેટીવ છે જેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વધુ પારદર્શીતા અને સ્પષ્ટતા આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરનાં ગતિશિલ વિકાસ અને ઝડપથી થયેલા વિસ્તરણને કારણે આ નિર્ણય સમયસર લેવામાં આવ્યો છે અને આ નિર્ણય એક ગેમ ચેન્જર સાબીત થશે.કેમ કે,રીયલ એસ્ટેટમાં ટ્રાન્સપરન્સી આવવાના કારણે રોકાણકારો અને ખરીદદારોમાં વિશ્વાસ ખુબ વધશે. રાજયમાં ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. બીઆરટીએસ, એએમટીએસ, મેટ્રોની સુવિધા તેમજ આવનારા સમયમાં બુલેટ ટ્રેનની પણ સુવિધા ઉપલબ્ધ થવાની છે.

ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ રોડ કનેકટીવીટીમાં અમદાવાદ અગ્રેસર છે. આ ઉપરાંત આપણે સૌએ જોયુ કે ગીફટ સીટીમાં જે રીતે વિકાસ થયો છે અને એજ રીતે અમદાવાદ સ્પોર્ટસ સીટી બનવા જઈ રહ્યું છે. આવા મહત્વના પ્રોજેકટને કારણે સમગ્ર દેશ અને વિદેશનાં લોકોને અમદાવાદનાં રીયલ એસ્ટેટમાં રસ વધ્યો છે તેથી રીયલ એસ્ટેટ સેકટરમાં વધુ રોકાણ આકર્ષિત થશે.

અમને વિશ્વાસ છે કે સંસ્થાના આ પ્રજાલક્ષી નિર્ણય અંગે શહેરીજનોનો યોગ્ય સહકાર મળી રહેશે. ક્રેડાઈ અમદાવાદનાં ચેરમેન ચિત્રાક શાહે જણાવ્યુ હતું કે જંત્રીમાં હવે વધારો થાય તેમ નથી. સરકાર વર્તમાન જંત્રી અંગે સર્વે કરી રહી છે. અને તેમાં કેટલીક જગ્યાએ ઘટાડો થાય તેમ જણાય છે. સરકારે પણ સર્વે કરી સુધારા વધારાવાળી જંત્રી તાકીદે જાહેર કરશે. હાલ રીયલ એસ્ટેટ માર્કેટ 40 હજાર કરોડને પાર થઈ ગયુ છે અને દર વર્ષે 12 થી 15 ટકાનો વધારો થાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.