અમદાવાદમાં પાણીનો બેફામ વપરાશ માથાદીઠ 150 લીટરના બદલે 230 લીટર સપ્લાય
WHOની માર્ગદર્શિકા કરતા પણ વધુ સપ્લાય ઃ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રપ૬ લીટર અને દ.પ.માં સૌથી ઓછુ ૧૭૦ લીટર માથાદીઠ સપ્લાય
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પીવાલાયક પાણી અંગે વારંવાર ફરિયાદો થતી રહે છે પાણીના અપુરતા પ્રેશર કે પાણી સપ્લાય ન થવા અંગે વિપક્ષ દ્વારા પણ આક્ષેપો થતાં રહે છે જયારે સત્તાધારી પક્ષના કોર્પોરેટરો પણ છાનાખુણે રજુઆત કરતા જોવા મળે છે પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા નાગરિકોને જરૂરિયાત કરતા પણ વધુ પાણી સપ્લાય કરવામાં આવે છે.
પરંતુ ગેરકાયદેસર જોડાણો, મોટરીંગ અને લીકેજીસના કારણે નાગરિકોને પુરતી માત્રામાં પાણી મળતું નથી. તદઉપરાંત નાગરિકો દ્વારા પણ પાણીના વપરાશમાં સંયમ જાળવવામાં આવતો નથી. એક અંદાજ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માથાદીઠ ર૩૦ લીટર કરતા પણ વધુ પાણી સપ્લાય કરવામાં આવી રહયું છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં નર્મદાના પાણી સપ્લાય કરવામાં આવે છે નર્મદા કેનાલમાંથી લેવામાં આવતા પાણીને કોતરપુર, ગ્યાસપુર અને રાસ્કા ખાતે ટ્રીટ કરી અંદાજે ર૧૯ જેટલા વો.ડી. સ્ટેશન મારફતે ઘરે ઘરે પાણી પહોંચાડવામાં આવી રહયું છે. આ ઉપરાંત ૩૦૦ કરતા વધુ આઈસોલેટેડ બોરવેલ દ્વારા પણ પાણી લેવામાં આવે છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દૈનિક ૧૬૬૦ મી.લી. પાણી સપ્લાય કરવામાં આવી રહયું છે. શહેરની વસ્તી ર૦ર૧ના પ્રોરેટા મુજબ ગણવામાં આવે તો ૬૯.૭પ લાખ છે જે મુજબ મનપા દ્વારા માથાદીઠ ર૩૮ લીટર પાણી સપ્લાય કરવામાં આવે છે. જો ર૦ર૩ મુજબ વસ્તીનું અનુમાન કરવામાં આવે તો હાલ ૭ર લાખની વસ્તી છે. જે મુજબ ગણતરી કરવામાં આવે તો પણ મનપા દ્વારા દૈનિક ર૩૦ માથાદીઠ પાણી સપ્લાય થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકા મુજબ વ્યક્તિદીઠ દૈનિક ૧પ૦ લીટર પાણીની જરૂરિયા રહે છે જેની સામે મ્યુનિ. કોર્પો. દ્વારા દૈનિક ૮૦ લીટર પાણી વધુ સપ્લાય કરવામાં આવી રહયું છે.
શહેરના ૭ ઝોન મુજબ જોવામાં આવે તો મધ્યઝોનમાં માથાદીઠ ર૩૬ લીટર, દક્ષિણ ઝોનમાં ર૧૪ લીટર, પશ્ચિમ ઝોનમાં ર૧૪, પૂર્વ ઝોનમાં ર૦૯, ઉત્તર ઝોનમાં ર૧૩, ઉત્તર-પશ્ચિમમાં રપ૬, અને દ.પ.માં ૧૬૯ લીટર માથાદીઠ પાણી સપ્લાય કરવામાં આવી રહયું છે. આમ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અને દ.પ.ઝોનમાં સૌથી ઓછું પાણી સપ્લાય થાય છે
જયારે પાણી માટે જે ઝોનમાંથી વધુ ફરિયાદો આવે છે એવા મધ્યઝોનમાં દૈનિક માથાદીઠ ર૩૬ લીટર પાણી મ્યુનિ. કોર્પો. દ્વારા સપ્લાય કરવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની માર્ગદર્શિકા મુજબ ગણતરી કરવામાં આવે તો મ્યુનિ. કોર્પો.દ્વારા હાલ ૧ કરોડ ૧૦ લાખ નાગરિકોને દૈનિક ૧પ૦ લીટર પાણી મળી શકે તેમ છે પરંતુ નાગરિકો દ્વારા થતો વધુ વપરાશ, પાણીનો બગાડ, ગેરકાયદેસર જોડાણ અને મોટરીંગ જેવા કારણોસર પાણીના સપ્લાય અંગેની ફરિયાદો જોવા મળી રહી હોવાનું માનવામાં આવે છે.