Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયન બેટર ડેવિડ વોર્નરની વન-ડેમાંથી પણ નિવૃત્તી

મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્‌સમેન ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે એક મોટું એલાન કર્યું છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે વનડે ક્રિકેટમાંથી પણ સન્યાસ લઇ રહ્યો છે. જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો ર્નિણય તેણે પહેલા જ લઇ લીધો હતો. સિડનીમાં ૩ જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ તેના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ હશે.

ડેવિડ વોર્નરે પહેલા જ એલાન કરી દીધો હતો કે પાકિસ્તાન સામે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ તેના કરિયરની અંતિમ ટેસ્ટ સીરિઝ હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેને આ ટેસ્ટ સીરિઝની અંતિમ ટેસ્ટ મેચમાં ખાસ વિદાય આપવાની તૈયારી પણ કરી રહ્યું છે. આ દરમિયાન વોર્નરના આજે વન-ડેક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના એલાનથી ક્રિકેટ જગત ચોંકી ગયું છે.

જાે કે તેણે એ પણ કહ્યું કે જાે તે બે વર્ષમાં ટી૨૦ ક્રિકેટ રમતા ફિટ રહે છે અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં તેની જરૂરત પડશે તો તે વનડે ક્રિકેટમાં વાપસી જરૂર કરશે.

ડેવિડ વોર્નરે કહ્યું, ‘હું ચોક્કસપણે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. વર્લ્ડ કપ દરમિયાન જ મેં આ વિશે વિચાર્યું હતું. આજે મેં નક્કી કર્યું છે કે ક્રિકેટના આ ફોર્મેટને પણ અલવિદા કહેવાનો સમય આવી ગયો છે.

આ ર્નિણય બાદ મને વિશ્વભરની ટી૨૦ લીગમાં રમવાની તક મળશે. હું જાણું છું કે ચેમ્પિયન્સ ટ્રોફી નજીક છે. જાે હું આગામી બે વર્ષમાં સારું ક્રિકેટ રમતો રહીશ અને ઓસ્ટ્રેલિયાને મારી જરૂર પડશે તો હું ઉપલબ્ધ રહીશ.’

ડેવિડ વોર્નરના નામે વનડે ક્રિકેટમાં ૬૯૩૨ રન છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે ૧૬૧ વન-ડેમેચ રમી છે. તે બે વખત વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ પણ રહ્યો છે. વોર્નરની વન-ડેમાં બેટિંગ એવરેજ ૪૫.૩૦ અને સ્ટ્રાઈક રેટ ૯૭.૨૬ની રહી છે. આ દરમિયાન તેણે ૨૨ સદી પણ ફટકારી છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.