Western Times News

Gujarati News

ઈઝરાયલમાં કામ કરવા ભારતના હજારો કામદારોની ભરતી

પ્રતિકાત્મક

(એજન્સી) નવી દિલ્હી, દુનિયાના મોટા ભાગના દેશોમાં હાલમાં સ્કીલ્ડ લેબરની અછત છે જેમાં હવે ઈઝરાયલનો પણ સમાવેશ થાય છે. ઈઝરાયલ-ગાઝા યુદ્ધના કારણે ત્યાં ખેતીવાડી, હેલ્થકેર અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં મજૂરો અને કારીગરોની તંગી પેદા થઈ છે.

અત્યાર સુધી પેલેસ્ટાઈનના લોકો ઈઝરાયલમાં કન્સ્ટ્રક્શન અને કૃષિ ક્ષેત્રમાં મજૂર અથવા કારીગર તરીકે કામ કરતા હતા, પરંતુ યુદ્ધના કારણે તેમને કામ આપી શકાય તેમ નથી. પરિણામે ઈઝરાયલે ભારત અને શ્રીલંકામાં હજારો લોકોની ભરતી કરી છે.

ઈઝરાયલમાં બાંધકામ ઉદ્યોગ બહુ મોટો છે. તેવી જ રીતે ખેતીમાં પણ બહારના લોકોને મોટા પાયે રોજગાર પર રાખવામાં આવે છે. સ્કીલ્ડ લોકો માટે ઈઝરાયલમાં હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી ડિમાન્ડ છે. આવી સ્થિતિમાં ભારતના હજારો લોકો ઈઝરાયલમાં કામ કરવા માટે તૈયાર થયા છે. આગામી સપ્તાહમાં હજારો ભારતીયોને ઈઝરાયલ કામ કરવા માટે મોકલવામાં આવશે.

તેની સાથે શ્રીલંકાના લોકો પણ જોડાશે. ભારત અને શ્રીલંકા બંને અત્યારે મોટા પ્રમાણમાં બેરોજગારીનો સામનો કરે છે તેમ ન્યુયોર્ક ટાઈમ્સનો અહેવાલ જણાવે છે. નવાઈની વાત એ છે કે શ્રીલંકા આર્થિક રીતે ભાંગી પડ્યું છે અને ભારત સૌથી ઝડપથી વિકસતા દેશોમાં સ્થાન ધરાવે છે. છતાં ભારતમાં બેરોજગાર લોકોની સંખ્યા બહુ મોટી છે.

ગઈ ૭ ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો ત્યારથી સ્થિતિ બદલાઈ ગઈ છે અને ઘણા સેક્ટરમાં બહારના લોકોને કામ કરવા બોલાવવા પડે તેમ છે. ઈઝરાયલે પેલેસ્ટાઈન બોર્ડર બંધ કરી દીધી હોવાથી અત્યાર સુધી જે લોકો ખેતરોમાં અથવા બાંધકામ સાઈટ પર કામ માટે આવતા હતા તેમનું આવવાનું બંધ થઈ ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.