ગોધરા ખાતે જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું
ગોધરા, સૂર્ય નમસ્કારને વિશ્વસ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતનવર્ષના પ્રથમ દિવસે તા.૦૧ જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં ૧૦૮ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.જેમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી,કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સહિત જિલ્લા કલેકટર અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ જોડાયા હતા.આ તકે ધારાસભ્યએ પોતાના ઉદ્દબોધનમા યોગનું મહત્વ,ફાયદા અને યોગને વિશ્વફલક પર લઈ જનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સહિત સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા.સૌકોઈએ સાથે મળીને યોગ કર્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,ગોધરા પ્રાંત અધિકારી સહિત બહોળી સંખ્યામાં પોલીસ જવાનોએ ભાગ લીધો હતો.