ગુજરાતમાં દર મહિને સરેરાશ 72 હજાર પાસપોર્ટની અરજીઓ આવે છે
2023માં ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8.79 લાખ પાસપોર્ટ અરજી -2022 ની સરખામણીએ 22 ટકાનો સામાન્ય વધારો: 98 ટકા અરજીઓનો નિકાલ
અમદાવાદ, વિદેશ પ્રવાસનાં વધતા ટ્રેન્ડ વચ્ચે ગુજરાતમાં પાસપોર્ટ મેળવનારા લોકોની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી છે. 2023 માં અમદાવાદની પ્રાદેશીક પાસપોર્ટ ઓફીસમાં રેકોર્ડબ્રેક 8.79 લાખ અરજી થઈ હતી. આ પૂર્વે 2018 માં 7.28 લાખ અરજીનો રેકર્ડ બન્યો હતો. 2020 માં કોવીડ વર્ષને કારણે પાસપોર્ટ માટેની અરજીની સંખ્યા ઘટીને 3.13 લાખ હતી. 2021 માં 4.32 લાખ હતી.
સીનીયર અધિકારીનાં કહેવા પ્રમાણે 22 થી 28 વર્ષની વય જુથનાં પાસપોર્ટ અરજદારોની સંખ્યામાં મોટો વધારો છે.અભ્યાસ માટે વિદેશ જવાનો ટ્રેન્ડ આ માટે કારણરૂપ છે.30 વર્ષથી વધુની વયના લોકોની પાસપોર્ટ અરજીમાં પણ વૃધ્ધિ છે.
અમદાવાદ પ્રાદેશીક પાસપોર્ટ કચેરીનાં અધિકારી અભિજીત શુકલાનાં કહેવા પ્રમાણે સામાન્ય રીતે પાસપોર્ટ અરજીમાં 10 ટકાનો વધારો અપેક્ષીત હોય છે. પરંતુ 2023 માં 22 ટકાનો વધારો આ સામાન્ય છે. 2024 માં સ્થિતિ નોર્મલ થવાની અને અરજીમાં 10 ટકાનો વધારો થવાનો અંદાજ છે.
અમદાવાદ પાસપોર્ટ કચેરીનાં સતાવાર રીપોર્ટ પ્રમાણે 2022 ની સરખામણીએ 2023 માં પાસપોર્ટ માટે અરજી કરનારાઓની સંખ્યામાં 35 ટકાનો વધારો થયો છે. સ્ટાફની અછત છતાં ઓવરટાઈમ કરીને 8.52 લાખ અર્થાત 98 ટકા અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. વર્ષમાં દર મહિને સરેરાશ 72522 અરજી આવી હતી. જે 2022 ની સરેરાશ માસીક અરજી 53609 હતી.
પાસપોર્ટ સમયસર ઈસ્યુ થઈ શકે તે માટે સ્ટાફે 38 જાહેર રજા તથા શનિવારનાં દિવસોમાં પણ કામગીરી બજાવી હતી. સતાવાર વર્તુળોએ કહ્યું કે પાસપોર્ટનો વેઈટીંગ પીરીયડ માત્ર 12 દિવસનો થયો છે. જયારે તત્કાળ શ્રેણીમાં અરજીના બીજા જ દિવસે ઈસ્યુ કરી દેવામાં આવે છે. દરરોજ પાસપોર્ટ માટે 100 સ્લોટ ખોલવામાં આવે છે અને 16 જાન્યુઆરી સુધીનાં સ્લોટ બુક છે.
પ્રાદેશીક પાસપોર્ટ કચેરીની સરખામણીએ પાસપોર્ટ સેવા કેન્દ્રોમાં એપોઈટમેન્ટ પીરીયડ લાંબો છે. અમરેલી, ભૂજ, ભરૂચમાં જાન્યુઆરીનાં ત્રીજા સપ્તાહની તારીખ જ ઉપલબ્ધ છે. સુત્રોના કહેવા પ્રમાણે વિદેશોમાં શિક્ષણનો ટ્રેન્ડ વધ્યો હોવાના કારણોસર વિદ્યાર્થીઓની પાસપોર્ટ અરજીનુ પ્રમાણ વધુ છે. આ સિવાય વિદેશ પ્રવાસ માટે પણ અરજદારોની મોટી સંખ્યા છે.