રોજગારી માટે જિલ્લા બહાર ગયેલા આદિવાસી પરિવારોને ત્યાં જઈ આયુષ્માન કાર્ડ કાઢતુ આરોગ્ય તંત્ર
નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રના ૧૬૦ આરોગ્ય કર્મીઓ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને વડોદરા પહોંચી આયુષ્યમાન કાર્ડ બનાવે છે
(માહિતી) રાજપીપળા, સામાન્ય રીતે આયુષ્માન કાર્ડ કઢાવવા માટે લાભાર્થીને જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત આરોગ્ય વિભાગની કચેરીએ જવું પડતુ હોય છે. અથવા તો લાભાર્થી જો સુશિક્ષિત હોય તો ઓનલાઈન અરજી કરી આયુષ્માન કાર્ડ કઢાવી શકે છે. પરંતુ નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પીએમ જનમન કાર્યક્રમ અંતર્ગત વિશેષ અભિયાન છેડવામાં આવ્યું છે.
અર્થોપાર્જન માટે બહારના જિલ્લામાં ગયેલા આદિમજૂથના પરિવારોને તેમને ત્યાં જઈ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં સાગબારા અને દેડિયાપાડામાં વસતા કોટવાળિયા પરિવારો હાલે રોજગાર માટે, ખાસ કરીને શેરડી કાપણી માટે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને વડોદરા જિલ્લામાં ગયા છે. તે પરિવારો પણ આ યોજનાથી વંચિત ન રહી જાય તેની ખેવના કરી ઉક્ત બન્ને તાલુકાના ૧૬૦ જેટલા આરોગ્ય કર્મીઓ દ્વારા જે-તે જિલ્લાની મુલાકાત લઈ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે. આરોગ્યની ટીમ જિલ્લા બહાર પ્રવાસ કરી આયુષ્માન કાર્ડ કાઢી આપતા હોય તેવું આ રાજ્યનું પ્રથમ અભિયાન છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે જણાવ્યું કે, સાગબારા અને દેડિયાપાડા તાલુકાના ૧૬૦ જેટલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટીપલ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કરને ૨૫-૨૫ નામોની યાદી સોંપી જે-તે જિલ્લામાં જવાની કામગીરી સોંપવામાં આવી છે. સરકારી વાહનો સાથે આ આરોગ્ય કર્મી આદિવાસી પરિવાર જ્યાં રહેતો હોય ત્યાં પહોંચે છે અને આયુષ્યમાન કાર્ડ કાઢી આપે છે.
અત્યારસુધીમાં ૧૪૪૬ વ્યક્તિને તેમના કામના સ્થળે જઈ કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. જેમની પાસે જરૂરી દસ્તાવેજો નથી તેવા વ્યક્તિ માટે તેમના વતનના તાલુકામાં ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં દસ્તાવેજો કાઢી આપવામાં આવે છે. આ દરમિયાન સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં છેલ્લા દસેક દિવસથી ચાલી રહેલી કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૩૩૨ પરિવારોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડેડિયાપાડાના ૨૨ અને સાગબારાના ૨૩ મળી કુલ બાવન ગામોના ૬૬ ફળિયાઓમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. આ સર્વે દરમિયાન કુલ ૧૦૪૮ પરિવારોના ૪૬૭૬ વ્યક્તિને આવરી લેવાનું આયોજન છે. આ સર્વે દરમિયાન અત્યાર સુધીમાં ૩૩૨ આયુષ્યમાન કાર્ડ કાઢવાની સાથે ૮૭ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ૧૭૩૧ વ્યક્તિનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૮ જેટલા દર્દીઓમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. સદભાગ્યે વધુ પરીક્ષણ કરાવતા તેમને ક્ષય રોગ ના હોવાનું માલુમ પડ્યુ હતું.
આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કુલ ૩૦૯૫ વ્યક્તિના આભા કાર્ડ બનાવી મેડિકલ પ્રોફાઈલ તૈયાર કરવામાં આવી છે. એટલું જ નહીં, ૪૬૪૧ વ્યક્તિના સિકલસેલ એનિમિયાના ટેસ્ટ કરવામાં આવતા માત્ર ત્રણ વ્યક્તિમાં આ ખામી જોવા મળી હતી. પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ યોજના હેઠળ ૨૧ મહિલાઓને આવરી લેવામાં આવી છે. સાથે ૨૭૧ બાળકોનું રસીકરણ પણ કરવામાં આવ્યું છે. બિનસાંચારી રોગો અંગે ૧૬૫૦ દર્દીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન દરમિયાન મળી આવેલા મોતિયાના નવ દર્દીઓ પૈકી છ દર્દીના ઓપરેશન કરાવવામાં આવ્યા છે.