ઝઘડિયા -રાણીપુરા વચ્ચે વાહનની ટક્કરે બાળ દીપડાનુ મોત
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકામાં અવારનવાર દિપડાઓ ખોરાકની શોધમાં માનવ વસાહતો નજીક ધસી આવતા હોવાની વાતો જગ જાહેર છે અને દિપડાઓ ખોરાકની શોધમાં રાત્રી દરમ્યાન ધોરીમાર્ગ પર પણ આવી ચઢતા વાહનોની અડફેટમાં આવી જતા હોવાના બનાવો પણ ભુતકાળમાં બન્યા છે,
આવાજ એક બનાવ મુજબ ગુરૂવારની રાત્રી દરમિયાન ઝઘડિયા રાણીપુરા ગામ નજીક સરદાર પ્રતિમા ધોરીમાર્ગને જોડતા માર્ગ પર દિપડો તથા તેનુ બચ્ચું? ધોરીમાર્ગ ક્રોસ કરતા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા માત્ર બાળ દિપડાનુ મોત નિપજ્યુ હતુ.ઘટના અંગે ઝઘડિયા વનવિભાગને માહિતી મળતા વનવિભાગના કર્મીઓ તાત્કાલિક અકસ્માત વાળા સ્થળે પહોચી બાળ દિપડાના મૃતદેહનો કબ્જો મેળવી નિયમો અનુસાર અંતિમ સંસ્કાર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે દિપડાઓ વધારે પ્રમાણમાં શેરડીના ખેતરોમાં વસવાટ કરતા હોઈ છે હાલ શેરડી કટીંગની સીઝન ચાલતી હોઈ દિપડાઓ સહ પરિવાર પોતાના નવા આશ્રય સ્થાનોની શોધમાં બહાર દેખાવા લાગ્યા છે.હાલ વનવિભાગની ટીમો દ્વારા દિપડાની હાજરી વાળા સ્થળોએ પાંજરાઓ ગોઠવી દિપડાઓને પકડવાની કવાયત હાથધરવામાં આવી છે.