મુંબઈ સામેની રણજી ટ્રોફી માટે બિહારની બે ટીમો પહોંચી
પટના, બિહારના પટના ખાતે આવેલા મોઈન ઉલ હક સ્ટેડિયમમાં ગઈકાલે વર્ષો પછી રણજી ટ્રોફીની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ અને બિહાર વચ્ચે રમાઈ રહેલી આ ક્રિકેટ મેચ જાેવા પહેલા જ દિવસે દર્શકોની ભીડ જાેવા મળી હતી. પરંતુ મેચથી વધુ ચર્ચા બિહાર ક્રિકેટ એસોસિયેશનના અંદરખાને ચાલી રહેલા વિવાદની હતી. મુંબઈ સામે મેચ રમવા બિહારની બે ટીમો મેદાનમાં પહોંચી હતી.
બિહાર ક્રિકેટ એસોસિયેશને બે ટીમોની યાદી જાહેર કરી હતી. એક તરફ જ્યાં બિહાર ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ રાકેશ તિવારી દ્વારા એક ટીમ જાહેર કરવામાં આવી તો બીજી તરફ બરતરફ સચિવ અમિત કુમારે બીજી ટીમની યાદી જાહેર કરી હતી. હવે બીસીએની અંદર જ આ વિવાદ થવા લાગ્યો કે બંને ટીમોમાંથી કઈ ટીમ મુંબઈ સામે રમશે? સવારે બીસીએની બંને ટીમો સ્ટેડિયમની બહાર પહોંચી ગઈ હતી. જાે કે પોલીસે કડકાઈથી સચિવ અમિત કુમાર દ્વારા જાહેર કરેલી ટીમને પરત મોકલી દીધી હતી.
જાે કે થોડા સમય પછી કેટલાંક લોકોએ બીસીએના ઓએસડી મનોજ કુમાર પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમની સાથે મારપીટની ઘટના સામે આવી હતી. આ દરમિયાન કોઈએ તેમનું માથું ફોડી નાખ્યું હતું. આ ઘટના બાદ બીસીએએ કહ્યું કે તમામ ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારપછી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેથી આવી ઘટના ફરી ન બને. SS2SS