બનાસકાંઠામાં ધોરણ-૧૨ માં અભ્યાસ કરતાં યુવકનું હાર્ટ એટેકથી મોત
યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે
રાત્રે સૂતો હતો ત્યારે હાર્ટ એટેક આવતા મોત થયું છે, આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે
બનાસકાંઠા,રાજ્યમાં નાની નયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠામાં એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. આ ઘટના પાલનપુરનાં બદરપુરા ગામની છે. જ્યાં કાણોદરની એસ કે એમ હાઇસ્કુલમાં ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોહિત ડાભીનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. રાત્રે સૂતો હતો ત્યારે હાર્ટ એટેક આવતા મોત થયું છે. આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.
યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ આૅફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે ૨૦૧૫ સુધીમાં ભારતમાં લગભગ ૬.૫ કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા.
આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ ૨.૫ કરોડ લોકો ૪૦ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ૧૦ વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં ૭૫%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ ૨૦૧૯માં જ સમગ્ર વિશ્વમાં લગભગ ૧.૮૦ કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે.
આમાંથી ૮૫ ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને ‘મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન’ કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.
આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.ss1