Western Times News

Gujarati News

9મી જાન્યુ.એ PM મોદી ગાંધીનગરમાં વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ટ્રેડ શૉનું ઉદઘાટન કરશે

અમદાવાદ, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૮મી જાન્‍યુઆરીથી ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન ૯મી જાન્‍યુઆરીના રોજ સવારે ૯:૩૦ વાગ્‍યે ગાંધીનગરમાં મહાત્‍મા મંદિર ખાતે પહોંચશે,

અને પછી ટોચની  કંપનીઓના સીઇઓ સાથે બેઠક યોજશે. બપોરે લગભગ ત્રણ વાગે તેઓ વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ટ્રેડ શૉનું ઉદઘાટન કરશે. ૧૦ જાન્‍યુઆરીના રોજ સવારે ૯:૪૫ વાગ્‍યે અગાંધીનગરમાં મહાત્‍મા મંદિરમાં વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ ૨૦૨૪નું ઉદ્ધાટન કરશે.

ત્‍યાર બાદ ગિફ્‌ટ સિટીની મુલાકાત લેશે, જ્‍યાં સાંજે લગભગ ૫:૧૫ વાગ્‍યે તેઓ ગ્‍લોબલ ફિનટેક લીડરશિપ ફોરમમાં અગ્રણી વ્‍યાવસાયિક અગ્રણીઓ સાથે વાતચીત કરશે. વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટનું દસમું સંસ્‍કરણ ૧૦થી ૧૨ જાન્‍યુઆરી, ૨૦૨૪ દરમિયાન ગુજરાતનાં ગાંધીનગરમાં યોજાઈ રહ્યું છે. તેની થીમ ‘ગેટવે ટુ ધ ફયુચર’ છે.

સમિટની આ દસમી આવૃત્તિ વાઇબ્રન્‍ટ ગુજરાતને સફળતાના શિખર સંમેલન તરીકે ઉજવશે. આ વર્ષની સમિટ માટે ૩૪ ભાગીદાર દેશો અને ૧૬ ભાગીદાર સંગઠનો છે. ઉપરાંત પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય વાયબ્રન્‍ટ ગુજરાત પ્‍લેટફોર્મનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્રોમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે કરશે.

સમિટમાં ઇન્‍ડસ્‍ટ્રી ૪.૦, ટેકનોલોજી અને ઇનોવેશન, સસ્‍ટેઇનેબલ મેન્‍યુફેક્‍ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્‍ટ્રિક મોબિલિટી અને રિન્‍યૂએબલ એનર્જી તથા સસ્‍ટેઇનેબિલિટી તરફ ટ્રાન્‍ઝિશન જેવા વૈશ્વિક સ્‍તરે પ્રસ્‍તુત વિષયો પર સેમિનાર અને કોન્‍ફરન્‍સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

વાઈબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ ટ્રેડ શૉમાં કંપનીઓ વર્લ્‍ડ ક્‍લાસ સ્‍ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીમાંથી બનેલી પ્રોડકટનું પ્રદર્શન કરશે. ઇ-મોબિલિટી, સ્‍ટાર્ટ-અપ્‍સ, એમએસએમઇ, બ્‍લૂ ઇકોનોમી, ગ્રીન એનર્જી અને સ્‍માર્ટ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર જેવા કેટલાક સેન્‍ટર્સ સેક્‍ટર્સ ટ્રેડ શૉમાં સામેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.