ધોરણ ૧૧ ના વિદ્યાર્થીએ શ્રી અંબુભાઇ પુરાણી હાઇસ્કૂલ DLSS નું ગૌરવ વધાર્યું
રાષ્ટ્ર કક્ષાએ ગુજરાતની ટીમને ઉત્તરપ્રદેશ સામે ઉત્તમ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલની પ્રાપ્તિ
રાજપીપળા, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ DLSS માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અનિકેત યોગેશભાઈ કરમટીયા હાલ ધોરણ ૧૧ માં છે. અનિકેતે વોલીબોલની રમતમાં શાળા કક્ષાએ પગરવ માંડતા-માંડતા તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ખૂબ જ ઉજ્જવળ પ્રદર્શન કરી રાષ્ટ્ર કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
Under-19 School Games Federation of India (SGFI) વોલીબોલમાં જિલ્લા કક્ષાએ સારુ પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ રમાયેલ રમતમાંથી ગુજરાતની ટીમમાં અનિકેત કરમટીયાની પસંદગી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય કક્ષાની Under-19 SGFI વોલીબોલ રમત મહેસાણા ખાતે તા. ૩ જી થી ૦૭ મી જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન રમાઇ હતી. જેમાં અનિકેતે ગુજરાતની ટીમ વતી શ્રી અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ફાઇનલમાં ગુજરાતની ટીમે ઉત્તરપ્રદેશ સામે ઉત્તમ પ્રદર્શન કર્યું અને ગુજરાતની ટીમ ફાઇનલમાં વિજેતા થઈ હતી.
શ્રી અનિકેત કરમટીયાને રમતના કૌશલ્ય બદલ એકેડમી વિભાગ નડિયાદ ખાતે પ્રવેશ મળ્યો છે. જેને સંપૂર્ણ તાલીમ District level sports school (DLSS) કોચ શ્રીમતી લતાબેન ઝાલા તેમજ ટ્રેનરશ્રી આશિષભાઈ ઢોડીયા પાસે મેળવી છે. આ સિધ્ધિ બદલ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રીશ્રી કરણસિંહ ગોહિલ તેમજ શાળાના આચાર્યશ્રી જીગેશભાઈ પટેલે અભિનંદન પાઠવી ભવિષ્યમાં અનેક સિધ્ધિઓ હાંસલ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.