મ્યુનિસિપલ કોર્પોરેશને માત્ર ૪૫ દિવસમાં જ આઇકોનીક રોડ તૈયાર કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા સી.જી.રોડ પછી લગભગ ત્રણ દાયકા બાદ શહેર માં આઇકોનીક રોડ તૈયાર કરવામાં આવ્યો છે. એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રીજ સુધી આ રોડ ગણતરી ના દિવસો માં જ તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે ૨૦૦ કરતા વધુ મિલકતો ડીપી અને રી.ડીપી અંતર્ગત દૂર કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો પણ આ રોડ પર યોજાશે. આ આઇકોનીક રોડને PPP ધોરણે આ રોડને ડેવલપ કરવામાં આવી રહ્યો છે. શહેર મેયર મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે માત્ર ૪૫ દિવસમાં આ આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. આકર્ષક સેન્ટ્રલ વર્જ, લાઇટ પોલ, ગાર્ડનિંગ, હેંગિંગ લાઈટ, ૩૦૦૦થી વધુ છોડ ફલાવરથી સુશોભીત કરવામાં આવ્યું છે. રૂ. ૩૫થી ૪૦ કરોડના ખર્ચે આ ૧.૦૭ કિમીનો રોડ તૈયાર થયો છે.
શહેરી માળખાગત સુવિધા અને આયોજન સાથે સમગ્ર રોડને નવેસરથી ડિઝાઇન કરવા માટે SVNIT સુરત જેવી પ્રતિષ્ઠિત સંસ્થાની નિમણૂક કરવામાં આવી છે. ઉપરોક્ત રસ્તાની લંબાઈ ૧૭૦૦ મીટર છે અને રસ્તાની હાલની ટીપી પહોળાઈ ૪૦ મીટર છે જે અગાઉ ૬૦ મીટર બનાવવામાં આવી નથી.
મુખ્ય પડકારોમાં રસ્તાની પહોળાઈ ૬૦ મીટર બનાવવા માટેના દબાણને દૂર કરવું, વીજળી, ગેસ, કમ્યુનિકેશન કેબલ જેવી ભૂગર્ભ સુવિધાઓનું સ્થળાંતર કરવું અને પીવાના પાણીની નવી લાઇન અને ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્ક નાખવાનો સમાવેશ થાય છે. એસ્ટેટ ટીમે સમગ્ર પટ્ટામાંથી ૮૬ કોમર્શિયલ, ૧૧૨ રહેણાંક, ૧૩ મંદિરોને દૂર કર્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશને ૬૦ મીટરની પહોળાઈમાં રોડ ડેવલપ કર્યો છે, જેમાં બંને બાજુએ ૩ લેન બિટ્યુમિનસ રોડનો સમાવેશ થાય છે, જેની બંને બાજુએ કુલ પહોળાઈ ૯.૯૦ મીટર છે, સારી રીતે વિકસિત સેન્ટ્રલ વર્જ ૧.૫ મીટરની પહોળાઈમાં, જેમાં સ્ટોન ક્લેડિંગ, પ્લાન્ટેશન, સ્ટ્રીટ લાઇટ વગેરેનો સમાવેશ થાય છે. રોડની બંને બાજુ મલ્ટીફંક્શન ઝોન છે.
જેના આયોજનમાં ર્પાકિંગ, કિઓસ્ક, ફ્રન્ટ લાઇટ ર્હોડિંગ્સ, પ્લાન્ટેશન, ગેન્ટ્રી, સ્કલ્પચર, ફુવારા, બસ સ્ટોપ વગેરે નો સમાવેશ કરવામાં આવશે. બંને બાજુએ ફાઉન્ટેન, સ્કલ્પ્ચર, વૃક્ષારોપણ, ગેન્ટ્રી, ર્હોડિંગ, વોટર બોડી વગેરે સાથે એમએફઝેડની, બ્યુટિફિકેશન સહિત સેન્ટ્રલ વર્જના બ્યુટિફિકેશનને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલમાં વિકસાવવામાં આવશે અને આ સમગ્ર પટ્ટાને પીપીપી એજન્સી દ્વારા જાળવવામાં આવશે, જે માટે પીપીપી એજન્સીને આ આઇકોનિક રોડ વિકસાવવાથી ઊભા કરવામાં આવેલા જાહેરાત એરિયાના ૭૫ ટકા હિસ્સાનો ક્રોસ બેનિફિટ મળશે.
આ રોડની ડિઝાઇનમાં નવી પાણીની પાઇપ લાઇન, ડ્રેનેજ નેટવર્ક, અંડર ગ્રાઉન્ડ યુટિલીટીનું સ્થળાંતર, સર્વિસ રોડનું નિર્માણ, મુખ્ય કેરેજ વે, સેન્ટ્રલ વર્જ, સ્ટ્રીટ લાઇટ્સ, ફ્રન્ટ લાઇટ્સ, ટ્રાફિક સાઇનેજ અને રોડ ર્માકિંગનો સમાવેશ થાય છે. સર્વિસ રોડ, જેની ૭ મીટર પહોળાઈ અને ૩ મીટરની ઓછામાં ઓછી પહોળાઈ સાથે ફૂટપાથ છે.