વિવાદ વચ્ચે બિપાશા બાસુએ પતિ કરણ-પુત્રી સાથે માલદીવમાં જન્મદિવસ ઉજવ્યો
મુંબઈ, બિપાશા બાસુ હાલમાં જ પતિ કરણ સિંહ ગ્રોવર અને પુત્રી દેવી સાથે માલદીવમાં તેનો ૪૫મો જન્મદિવસ ઉજવી રહી હતી. આ સમય દરમિયાન અભિનેત્રીએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તેના જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયા પર આટલી હદે ટ્રોલ થશે.
બિપાશા બાસુએ ગઈ કાલે ૭મી જાન્યુઆરીએ ૪૫મો જન્મદિવસ ઉજવ્યો હતો અને મોટાભાગની બોલિવૂડ હસ્તીઓની જેમ તેણે પણ માલદીવમાં વેકેશન પ્લાનિંગ કરી બર્થ ડે સેલિબ્રેશન કર્યું હતું. આ સમય દરમિયાન અભિનેત્રી સોશિયલ મીડિયા પર સક્રિય રહી હતી અને ફોટા દ્વારા ચાહકો સાથે વેકેશનની ઝલક પણ શેર કરી હતી.
આ ફોટામાં અભિનેત્રી તેના પતિ કરણ અને પુત્રી દેવીને તેની બાહોમાં પકડીને તેમના પર ખૂબ પ્રેમ વરસાવતી જોવા મળી હતી. આ તસવીરો શેર કરતી વખતે બિપાશા બાસુએ લખ્યું હતું કે, ‘મને માત્રને માત્ર પ્રેમ અનુભવાઈ રહ્યો છે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું.
હું નસીબદાર છોકરી છું. કરણ સિંહ ગ્રોવરે પણ બિપાશા બાસુનો એક ફોટો શેર કર્યો છે અને તેના જન્મદિવસ નિમિત્તે તેના માટે પ્રેમભર્યો સંદેશ લખ્યો છે. તે લખે છે કે, ‘હેપ્પી બર્થડે માય માય સ્વીટ લિટલ બેબી, તારી પાસે સૌથી સુંદર સ્મિત છે અને તું મારા જીવનની રોશની છે… હેપ્પી બર્થડે મંકી.
કરણ અને બિપાશાના ઈન્ડસ્ટ્રીના મિત્રોએ આ તસવીરો પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો અને અભિનેત્રીને તેના જન્મદિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સે અભિનેત્રીનું માલદીવ જવાનું પસંદ કર્યું ન હતું. અભિનેત્રીના ફોટા પર ઘણા યુઝર્સે #boycottmaldive કોમેન્ટ કરી છે. આ સિવાય ઘણા યુઝર્સ લખે છે કે, જ્યારે માલદીવ આપણા વડાપ્રધાન વિશે વિવાદાસ્પદ ટીપ્પણી કરી રહ્યું છે તો તેમણે માલદીવ જવું જોઈતું નહોતું.