આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં 2 લાખ કરોડ – એટલે કે USD 25 બિલિયનનું રોકાણ કરશે
અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીનું વાઇબ્રન્ટ ગુજરાત 2024 સંબોધન
અમદાવાદ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, હિઝ રોયલ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન, સહભાગી દેશોની સરકારના માનનીય વડાઓ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય મંત્રીઓ, ઉદ્યોગપતિઓ અને મારા પ્રિય મિત્રો,
10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધન કરવું એ એક લહાવો છે. આ દરેક સમિટનો એક ભાગ હોવાનો મને ખૂબ જ ગર્વ છે. માનનીય વડાપ્રધાન વાઈબ્રન્ટ ગુજરાત એ આપની અસાધારણ દ્રષ્ટિની અદભૂત અભિવ્યક્તિ છે. તેમાં આપના હસ્તાક્ષરો, ભવ્ય મહત્વાકાંક્ષા, વિશાળ સ્કેલ, ઝીણવટભર્યુ શાસન અને દોષરહિત અમલીકરણ છે. ભારતના ઔદ્યોગિક લેન્ડસ્કેપને પુનઃનિર્માણ કરવા આપણા તમામ રાજ્યો – સ્પર્ધા – અને – સહકારથી આગળ વધતા રાષ્ટ્રવ્યાપી ચળવળને પ્રજ્વલિત કરી રહ્યા છે.
વિતેલા દાયકાના આંકડાઓ નોંધપાત્ર છે: 2014 થી ભારતની જીડીપી 185% અને માથાદીઠ આવકમાં અદભૂત 165% વૃદ્ધિ થઈ છે. છેલ્લા દાયકાના ભૌગોલિક રાજકીય સંઘર્ષો અને મહામારીના પડકારોને જોતા આ સિદ્ધિ અપ્રતિમ છે.
માનનીય વડાપ્રધાન, આંતરરાષ્ટ્રીય મંચ પર આપની સિદ્ધિઓ પણ એટલી જ નોંધપાત્ર છે. આપ અમને વૈશ્વિક પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવતા દેશમાંથી એવા રાષ્ટ્ર તરફ લઈ ગયા છો જે હવે વૈશ્વિક પ્લેટફોર્મ બન્યો છે. સોલાર એલાયન્સ પ્લેટફોર્મ આપની કલ્પનાઓની એક પહેલ છે. G20 પ્લેટફોર્મ પર આપનું નેતૃત્વ, વધુ સમાવિષ્ટ વિશ્વ વ્યવસ્થા માટેના બેન્ચમાર્ક સેટ કરે છે. G20 માં ગ્લોબલ સાઉથ ઉમેરવું એ આધુનિક ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ હતી.
માનનીય વડાપ્રધાન, આપ માત્ર ભવિષ્યની આગાહી જ કરતા નથી પરંતુ તેને આકાર પણ આપો છો. આપે ભારતને વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું રાષ્ટ્ર બનવા માટે દિશામાન કર્યું છે અને તેને વાસુદેવ કુટુમ્બકમ્ અને વિશ્વગુરુની બે ફિલસૂફી દ્વારા સંચાલિત વૈશ્વિક સામાજિક ચેમ્પિયન તરીકે સ્થાન આપ્યું છે.
જોકે તેના શ્રેષ્ઠ પરિણામો આવવાના તો હજુ બાકી છે. વિકસિત ભારતનું નિર્માણ કરવા અને 2047 સુધીમાં ભારતને સંપૂર્ણ વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ભારતના યુવાનોને દૂરંદેશી સાથે સહભાગી બનાવવા આપે આવતીકાલના વૈશ્વિક ભવિષ્યને આકાર આપવા માટે તૈયાર કર્યા છે.
માનનીય મુખ્યમંત્રી અગાઉની સમિટમાં મેં 2025 સુધીમાં રૂ. 50,000 કરોડથી વધુના રોકાણની જાહેરાત કરી હતી. તે મુજબ અમે વિવિધ ક્ષેત્રોમાં રૂ. 50,000 કરોડનું રોકાણ કરી ચૂક્યા છીએ. વળી 25,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી સર્જનના અમારા લક્ષ્યાંકને પણ વટાવી દીધું છે.
આજે હું વધુ રોકાણ કરવા પ્રતિબદ્ધ છુ. અમે ખાવડા કચ્છમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ, જે 725 ચોરસ કિલોમીટરમાં 30 GW રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરે છે. તેને અવકાશમાંથી પણ જોઈ શકાય છે. અમે “આત્મનિર્ભર” ભારત માટે ગ્રીન સપ્લાય ચેઇનનો વિસ્તાર કરી રહ્યા છીએ અને સૌથી મોટી સંકલિત રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ. તેમાં સોલાર પેનલ્સ, વિન્ડ ટર્બાઈન, હાઈડ્રોજન ઈલેક્ટ્રોલાઈઝર્સ, ગ્રીન એમોનિયા, પીવીસી અને કોપર અને સિમેન્ટના ઉત્પાદનમાં વિસ્તરણનો સમાવેશ થાય છે.
આગામી પાંચ વર્ષમાં અદાણી ગ્રુપ ગુજરાતમાં રૂ. બે લાખ કરોડ – એટલે કે USD 25 બિલિયનનું રોકાણ કરશે. જેનાથી 100,000 થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીઓનું સર્જન થશે. હું આપના સમર્થન માટે ખૂબ આભારી છું. વિકસિત ગુજરાત માટે યોગદાન આપવા મારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું.