Western Times News

Gujarati News

ધોળકાથી ભાડાની રિક્ષા કરીને શાહઆલમ ડ્રગ્સ ખરીદવા આવેલો યુવક ઝડપાયો

એમડી ડ્રગ્સ ખરીદનાર યુવકની ધરપકડ-ડ્રગ્સ ખરીદીને ધોળકા પરત જઈ રહેલા યુવકને પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો

(એજન્સી)અમદાવાદ, નશાની લતમાં હજારો યુવકો બરબાદ અને દેવાદાર થઈ રહ્યાં છે ત્યારે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.ધોળકાના યુવકે નશો કરવા માટે ૩.૯૫ લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ખરીદ્યું હતું. યુવક નશો કરે તે પહેલાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. યુવક ડ્રગ્સ લેવા માટે ધોળકાથી ભાડાની રિક્ષા કરીને શાહઆલમ આવ્યો હતો અને ડ્રગ્સ ખરીદ કર્યા બાદ પરત ધોળકા જઈ રહ્યો હતો. યુવક પાસે ડ્રગ્સ હોવાની બાતમી મળતાં લોકલ ક્રાઈમ બ્રાંચે સરખેજ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડીને યુવકને ઝડપી પાડ્યો છે.

ડીસીપી ઝોન-૭ની લોકલ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ વી.બી. ચૌધરી અનએ તેમની ટીમને બાતમી મળી હતી પીળા કલરનું ટીશર્ટ પહેરેલા એક યુવક પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે અને તે પેસેન્જર રિક્ષામાં બેસીને નરીમાનપુરા ગામથી બાકરોલ સર્કલતરફ જવાનો છે.

બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ એલર્ટ મોડ પર આવી ગઈ હતી અને બાકરોલ સર્કલ પર વોચમાં હતી ત્યારે એક રિક્ષા આવી હતી. જેમાં પીળા કલરનું ટીશર્ટ પહેરીને એકયુવકને બેઠો હતો. એલસીબીની ટીમે રિક્ષાને કોર્ડન કરીને ઊભી રાખી હતી અને યુવકની અટકાયત કરી લીધી હતી.

યુવકનું નામ ગુલામદસ્તગીર મહંમદહુસેન ઘાંચી છે અને તે ધોળકાના દેકા ટેકરી પાસે રહે છે. પોલીસે રિક્ષાચાલકની પણ પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ફિરોજ ઘાંચી બતાવ્યું હતું. પોલીસે પહેલાં ફિરોજની અંગ ઝડતી કરી હતી જેમાં તેની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહીં ત્યારબાદ રિક્ષાની પણ જડતી લીધી હતી. જેમાં પણ કોઈ ચીજવસ્તુ મળી આવી નહીં. આ બાદ ગુલામદસ્તગીરની અંગ ઝડતી કરી હતી જેમાંથી સફેદ પાઉડર મળી આવ્યો હતો.

એલસીબી તેમજ સરખેજ પોલીસ તરત જ એફએસએલ અધિકારીઓને જાણ કરી દીધી હતી. એફએસએલના અધિકારી ઘટના સ્થળે આવીને સફેદ પાઉડરનું પરીક્ષણ કરતાં તે એમડી ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો.

પોલીસે ગુલામદસ્તગીર તેમજ ફિરોજની ધરપકડ કરીને સરખેજ પોલીસ સ્ટેશનમાં લઈને આવી હતી જ્યાં બંનેની આગવી સ્ટાઈલથી પૂછપરછ કરી હતી. ગુલામદસ્તગીરે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, શાહઆલમ પાસેથી એમડી ડ્રરગ્સનો જથ્થો લાવ્યો છે. શાહઆલમના શાહરુખ ઉર્ફે કાળિયાએ આ ડ્રગ્સનો જથ્થો આપ્યો છે.જેમાં ફિરોજને કોઈ લેવા દેવા નથી. સરખેજ પોલીસે ૩.૯૫ લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સજપ્ત કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. ગુલામદસ્તગીર પોતે ડ્રગ્સનો નશો કરવાનો શોખીન હોવાથી તેણએ પોતે ડ્રગ્સ ખરીદ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.