ઓફિસમાં ત્રણ શખ્સોએ તોડફોડ કરીને આતંક મચાવ્યો
(એજન્સી)અમદાવાદ, શહેરના પાંજરાપોળ ખાતે આવેલી એક ઓફિસમાં ત્રણ અજાણ્યા શખ્સોએ ઘુસીને કમ્પ્યુટર, મંદિર, ટીવી સહિતની ચીજવસ્તુઓની તોડફોડ કરીને આતંક મચાવતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. જયેશભાઈ અને કમલેશભાઈ ક્યાં છે, આજે અમે જાનથી મારી નાંખીશું તેવી ધમકી ઓફિસના કર્મચારીઓને આપી હતી અને તોડફોડ કરી હતી.
મોટેરા વિસ્તારમાં આવેલા શિખર ફ્લેટમાં રહેતાં રાહુલ પટેલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ તોડફોડની ફરિયાદ કરી છે. રાહુલ પાંજરાપોળ ખાતે આવેલા પોલિટેકનિક રોડ પર રિધમ બિઝનેસ માર્ટમાં કારકુન તરીકે નોકરી કરે છે.
ઓફિસમાં રાહુલ અને તુષારભાઈ નામના કર્મચારી કામ કરતાં હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને જયેશભાઈ અને કમલેશભાઈ ક્યાં ગયા છે? તેમ કહીને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. ઉશ્કેરાયેલા તત્વોના હાથમાં ડંડા હતા, જેનાથી તેમણે ઓફિસમાં રહેલાં કમ્પ્યુટર, કેબિન, ટીવી, મંદિર સહિતની ચીજવસ્તુઓની તોડફોડ કરી હતી.
ત્રણેય શખ્સોએ રાહુલ તેમજ તુષારભાઈને ધમકી આપી હતી કે અમે જયેશભાઈ અને કમલેશભાઈને જાનથી મારી નાંખીશુ. તોડફોડ થતાંની સાથે જ આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યારે હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા. રાહુલે આ મામલો તરત જ જયેશભાઈને ફોન કરીને હકીકત જણઆવી હતી.