રાજકોટના શખસનો પતંગ કપાયો તો ક્રાઈમ બ્રાન્ચની ટીમ શોધવા દોડી
રાજકોટ, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ પંજાબી વ્યક્તિ હતો જે રાજકોટના પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યો હતો. અહીં તેણે હજારો રૂપિયાની કિંમતનો પતંગ આકાશમાં ઉડાવ્યો હતો પરંતુ થોડા સમય બાદ જ તે કપાઈ જતા દોડાદોડ કરી મૂકી હતી. પતંગોત્સવ અત્યારે અમદાવાદની જેમ રાજકોટમાં પણ થઈ રહ્યો છે. ઉત્તરાયણ આવે એના મહિના પહેલાથી તો લોકો ધાબા પર ચઢી જતા હોય છે અને પતંગ ચગાવવાનું શરૂ કરી દે છે. આમાં સૌથી કોમન અને રસપ્રદ કોઈ કિસ્સો આપણે કહીએ તો એ છે પતંગબાજીમાં સામેવાળી પાર્ટીનો પતંગ કાપી કાઢવાનો. ઉત્તરાયણના દિવસે પણ લપેટ…લપેટ.. કાઈ પો છે એવી બુમો સંભળાતી જ હશે.
લોકોને પતંગ કાપવાની મજા આવે છે એટલી જ પતંગને પકડવાની પણ મજા આવતી હોય છે. પરંતુ ભાગ્યે જ એવું આપણે સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિનો પતંગ કપાઈ જાય તો તેણે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોને પણ શોધવા લગાવી દીધી. મોહાલીમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ ફરિયાદ કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તે રાજકોટ મહાપાલિકા દ્વારા આયોજિત એક પતંગોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં તેને આમંત્રણ મળ્યું હતું જેના કારણે તેમણે ખાસ ૨૫ હજાર રૂપિયાની કિંમત ધરાવતો પતંગ ખરીદી લાવ્યા હતા.
અહીં આ શખસે વીડિયોઝ ઉતાર્યા અને પતંગ મહામહેનતે મસ્ત ચગાવી દીધો હતો. આ દરમિયાન ૨૦ મિનિટ સુધી આકાશમાં અન્ય પતંગો કરતા પણ મસ્ત ચગી રહેલા આ પતંગનાં પેચ બીજા સાથે લડી ગયા હતા. પતંગના પેચ એટલા જોરદાર લડ્યા કે વાત ન પૂછો. જોતજોતામાં પંજાબના આ શખસે ઢીલ મૂકી પરંતુ તેનો પતંગ કપાઈ ગયો હતો. આકાશમાં ખૂબ ઊંચે ઉડતો આ પતંગ હવે રાજકોટની જ ગલીઓમાં ક્યાંક કપાઈને પડ્યો હતો. જોકે આ દરમિયાન ૨૫ હજાર રૂપિયાની કિંમતનો આ પતંગ હોવાથી તેણે પોલીસ ફરિયાદ કરી હતી. જેના લીધે ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ટાગોર રોડ સુધી દોડીને આવી પહોંચ્યો હતો.
આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને પણ જાણ કરાઈ કે આ પતંગ કપાઈ ગયો છે અને હવે કોઈક ચોરી ગયું છે. ઉલ્લેખનીય છે કે ક્રાઈમ બ્રાન્ચ, એ-ડિવિઝન સહિતની ટીમો કપાયેલા પતંગને શોધવા માટે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી દીધી હતી. રાજકોટ પતંગોત્સવમાં આ મોહાલીના શખસે જણાવ્યું કે મારા પતંગને લીફ્ટર કાઈટ પણ કહેવામાં આવે છે. આની ખાસિયત પર નજર કરીએ તો તે ઈમ્પોટેડ કાપડથી બનેલો પતંગ છે અને આની કિંમત ૨૫ હજાર રૂપિયા આસપાસ રહેલી છે.
આવા પતંગની બનાવટ પર નજર કરીએ તો તેનું સિવણ વધારે સરળ નથી અને આ પતંગ સામાન્ય લોકો માટે પણ નથી. હવે આમ જોવા જઈએ તો આ પતંગનું વજન ૩થી ૪ કિલો આસપાસનું હોય છે અને તે જેવો ઊંચે આકાશમાં ચગી જાય છે ત્યારે તેની દોરી સાથે અન્ય નાના મોટા પતંગો અને ઢાલો પણ જોડવામાં આવે છે. રાજકોટમાં પતંગ કપાયો અને ખોવાયો એની તપાસમાં પોલીસ ફરિયાદ પાછળનું કારણ આપતા આ શખસે કહ્યું કે સર મારે અમદાવાદના પતંગોત્સવમાં જઈને પણ આ જ પતંગ ચગાવવાનો હતો. મિનિસ્ટર્સની હાજરીમાં મારે આ લિફ્ટર પતંગ ચગાવવાનો છે. પરંતુ હવે રાજકોટમાં પતંગોત્સવ થયો એમાં મારો પતંગ કોઈ કાપી ગયું એટલે હું અમદાવાદમાં જઈને ચગાવી નહીં શકું.SS1MS