5 સિંહો અડધી રાતે ગામમાં ઘુસી ગયાઃ 3 ગાયનું મારણ કર્યું

પ્રતિકાત્મક
(એજન્સી)અમરેલી, અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં સિંહ પરિવાર વસવાટ કરે . આ સિંહ પરિવારો અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં શિકારની શોધ માટે આંટાફેરા મારતા હોય છે. ત્યારે ધારી તાલુકાના તુલસીશ્યામ રોડ ઉપર આવેલા હરીપરા ગામે મધ્ય રાત્રિએ પાંચ સિંહ શિકારની શોધમાં આવી ચડ્યા હતા.
જ્યાં તેમણે ત્રણ ગાયનું મારણ કર્યું હતું. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના તુલસીશ્યામ રોડ ઉપર આવેલું હરીપરા ગામ છે. આ ગામ ગીર વિસ્તારની અંદર આવે છે. જેથી આ ગ્રામીણ વિસ્તારમાં અવારનવાર શિકારની શોધમાં વન્ય પ્રાણીઓ આવતા હોય છે. જેમાં અડધી રાત્રે આવી ચડેલા પાંચ સિંહે ત્રણ ગાયનું મારણ કર્યાની ઘટના સામે આવતા સમગ્ર ગ્રામીણ વિસ્તારમાં અરેરાટીનો માહોલ વ્યાપી ગયો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં ગામની અંદર આંટાફેરા મારતા સિંહ નજરે ચડ્યા હતા. આ દૃશ્યો જોતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં સિંહ અવારનવાર શિકારની શોધમાં આવી ચડે છે. તેથી સોશિયલ મીડિયામાં શિકાર કરતા અને લટર મારતા વીડિયો પણ અવારનવાર વાયરલ થયા કરે છે.