આ કારણસર સોશિયલ મીડિયા કંપનીઓ સામે કાર્યવાહી થઈ શકે છે
ડીપફેક સામે સપ્તાહમાં નવા નિયમો બનશે-સચિનનો વીડિયો વાયરલ થતાં જ કેન્દ્ર સરકારની જાહેરાત
નવી દિલ્હી, ડીપફેકને લઈને સરકાર નવા નિયમો લાવી રહી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે એટલે કે ૧૬ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે તેમણે ડીપફેક પર ૨ બેઠકો કરી હતી. આઈટીના નવા નિયમોમાં ખોટી માહિતી અને ડીપફેકને લઈને મોટી જોગવાઈઓ છે. દરેક વ્યક્તિએ તેનું પાલન કરવું ફરજિયાત છે, અન્યથા કાર્યવાહી કરવામાં આવશે. નવા આઈઆઈટી નિયમો ૭-૮ દિવસમાં સૂચિત કરવામાં આવશે.
આ પહેલા ૨૩ નવેમ્બરે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ‘ડીપફેક લોકશાહી માટે નવા ખતરા તરીકે ઉભરી આવ્યું છે.’ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે ડીપફેકના જોખમ અને તેની ગંભીરતાને સ્વીકારી લીધી છે. વૈષ્ણવે કહ્યું હતું કે ડીપફેકના સર્જકો અને તેને હોસ્ટ કરનાર પ્લેટફોર્મની જવાબદારી નક્કી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ડીપફેક પર ચિંતા વ્યક્ત કરી છે. તેમનો એક ડીપફેક વીડિયો આવ્યો છે. હાલમાં જ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો એક ખોટો વીડિયો વાયરલ થયો હતો. આમાં તે ‘સ્કાયવર્ડ એવિએટર ક્વેસ્ટ’ ગેમિંગ એપને પ્રમોટ કરતા બતાવવામાં આવ્યા હતા. સચિને કહ્યું- આ વીડિયો ફેક છે અને છેતરવા માટે બનાવવામાં આવ્યો છે.
ગયા વર્ષે નવેમ્બરમાં, રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં રશ્મિકાના ચહેરાને એઆઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચહેરા પર સરસ રીતે મોર્ફ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર હજારો લોકોએ રશ્મિકાના આ નકલી વીડિયોને રિયલ ગણાવ્યો કારણ કે તેમાં દેખાતા એક્સપ્રેશન એકદમ રિયલ લાગતા હતા.
જોકે, આ મહિલા રશ્મિકા નહીં પરંતુ ઝારા પટેલ નામની યુવતી હતી, જેનો ચહેરો બદલીને રશ્મિકાનો કરવામાં આવ્યો હતો. ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ એક ન્યૂઝ એજન્સીના પત્રકારે આ વાતનો ખુલાસો કર્યો હતો.
ડીપફેક શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ૨૦૧૭માં થયો હતો. ત્યારપછી અમેરિકાના સોશિયલ ન્યૂઝ એગ્રિગેટર રેડિટ પર ડીપફેક આઈડી ધરાવતી ઘણી સેલિબ્રિટીઝના વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં અભિનેત્રીઓ એમા વોટસન, ગેલ ગેડોટ, સ્કારલેટ જોહનસનના ઘણા પોર્ન વીડિયો હતા.
કોઈ બીજાના ચહેરા, અવાજ અને અભિવ્યક્તિને વાસ્તવિક વીડિયો, ફોટો અથવા ઓડિયોમાં ફીટ કરવાને ડીપફેક કહેવાય છે. આ એટલું સ્પષ્ટ રીતે થાય છે કે કોઈપણ તેના પર વિશ્વાસ કરી શકે છે. આમાં, નકલી પણ અસલી વસ્તુ જેવી લાગે છે. આમાં મશીન ર્લનિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ટેક્નોલોજી અને સોફ્ટવેરની મદદથી વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે.
એઆઈ અને સાયબર નિષ્ણાત પુનીત પાંડે કહે છે કે હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવા માટે તૈયાર છે અને પેકેજ ઉપલબ્ધ છે. હવે કોઈપણ તેનો ઉપયોગ કરી શકે છે. વર્તમાન ટેકનોલોજીમાં, અવાજમાં પણ સુધારો થયો છે. આમાં વોઇસ ક્લોનિંગ ખૂબ જ ખતરનાક બની ગયું છે.
યુરોપિયન યુનિયને ડીપ ફેક્સને રોકવા માટે છૈં એક્ટ હેઠળ કોડ ઓફ પ્રેક્ટિસ ઓન ડિસઇન્ફોર્મેશન લાગુ કર્યું છે. આ પર હસ્તાક્ષર કર્યા પછી, Google, Meta, Twitter સહિતની ટેક કંપનીઓએ તેમના પર ડીપ ફેક અને નકલી એકાઉન્ટ્સને રોકવા માટે કડક પગલાં લેવાં પડશે. તેનો અમલ કરવા માટે છ મહિનાનો સમય આપવામાં આવે છે. જો કાયદો તોડવામાં આવે છે, તો કંપનીએ તેની વાર્ષિક વૈશ્વિક આવકના ૬% દંડ ચૂકવવો પડશે.
ભારતમાં આ માટે કોઈ કાયદો કે નીતિ નથી. આવા તમામ કેસોની સુનાવણી માત્ર આઈટી એક્ટ હેઠળ જ થાય છે. સાયબર બાબતોના નિષ્ણાત અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અનુજ કુમાર અગ્રવાલ કહે છે કે ભારતમાં આ અંગે કોઈ અલગ કાયદો નથી. હા, આવા વીડિયો કે માહિતી ફેલાવનાર વ્યક્તિને આઈઆઈટી એક્ટ હેઠળ ત્રણથી દસ વર્ષની જેલની સજા થઈ શકે છે.