મ્યુનિ. કોર્પો.ના ‘ઝીરો’ બજેટમાંથી યુવાનો માટે રમત ગમતના મેદાન તૈયાર કરાશે
ઔદ્યોગિક એકમોને ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સપ્લાય કરવામાં આવશેઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા દર વર્ષે બજેટમાં ‘ઝીરો’ બજેટની જોગવાઈ કરવામાં આવે છે પરંતુ તેનો કોઈ યોગ્ય ઉપયોગ થતો નથી આ વખતે ઝીરો બજેટમાંથી બાળકો અને યુવાનો રમત ગમતના સારા મેદાનો તૈયાર કરવામાં આવશે તેમજ વોટર ડીસ્ટ્રીબ્યુશનની મરામત પણ થશે. આ ઉપરાંત ક્રસરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ઔદ્યોગિક એકમોને વેચાણ કરવા માટેની સૈધ્ધાંતિક મંજુરી સ્ટેન્ડિગ કમિટિ તરફથી આપવામાં આવી છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગભાઈ દાણીના જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા ઝીરો બજેટમાંથી રૂ.રપ કરોડની રકમ રમત ગમત માટે રીઝર્વ પ્લોટના ડેવલપમેન્ટ માટે ખર્ચ કરવામાં આવશે.
મ્યુનિ. પ્લોટમાં સ્પોર્ટસ એક્ટિવિટી વધી શકે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે આ ઉપરાંત પ્રેક્ષકો માટે જરૂરી બેઠક વ્યવસ્થા, ચેન્ઝીગ રૂમ, ટોઈલેટ, ગ્રીનરી ડેવલપમેન્ટ, કંપાઉન્ડ વોલ, તેમજ લાઈટ પોલ ઉભા કરવામાં આવશે. શહેરના મધ્યઝોનમાં ર કરોડ, ઉત્તર ઝોન-૩ કરોડ, ઉ.પ. – પ કરોડ, દ.પ.-૩ કરોડ, તેમજ દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં ૪-૪ કરોડ ખર્ચ થશે.
આ ઉપરાંત તમામ ઝોનમાં વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનને અપગ્રેડ તેમજ રિનોવેશન કરવા માટે રૂ.૧પ કરોડ ખર્ચ કરવામાં આવશે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને પકડવા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના સારા પરિણામ પણ મળ્યા છે પરંતુ શહેરના પશુ પ્રેમી લોકો તહેવારોના દિવસે ગાયોને ઘાસ ખવડાવી શકે તેમજ પશુ સ્વાસ્થ્યની જાળવણી થઈ શકે તે માટે દાન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શહેરના નાગરિકો કેટલ પોન્ડમાં રાખવામાં આવતા પશુઓને ઘાસચારા કે લાડુ ખવડાવવા માટે ઓનલાઈન દાન કરી શકશે જેના માટે તેમને રસીદ પણ મળી જશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસ.ટી.પી.નાં પાણીને નારોલ તથા દાણીલીમડા વિસ્તારની સ્મોલ તથા મીડીયમ સ્કેલ ટેક્ષટાઈલ ઈન્ડસ્ટ્રીઝને તેઓની ડાઇંગ, વોશીંગ વગેરે પ્રોસેસીસ માટે આપવાનું પ્લાનીગ કરેલ છે. પાણીની જરૂરીયાત હાલમાં તેઓના પ્રાઇવેટ બોરવેલ દ્વારા પુરી પડી રહેલ છે. તેઓ દ્વારા રોજ નું ૧૬૦ એમ.એલ.ડી. ભુગર્ભ જળ નો વપરાશ કરવામાં આવે છે.
સદર નીચા જતા જળસ્તરના કારણે ભુગર્ભ જળની કવોલિટી બગડી રહેલ છે તથા તેમાં હેવી મેટલ, ડીઝોલ્વડ સોલિડસ વગેરે કન્ટમીનેશનના કારણે પાણીનો વપરાશ પણ ખુબ થાય છે. હાલ માં પાણી ની અછત ને જોતા સદર ભૂગર્ભ જળ નો બચાવ કરવો જરૂરી છે અને ગુજરાત સરકાર દ્વારા પણ ટ્રીટેડ વેસ્ટ વોટર રિયુઝ પોલીસી અંતર્ગત ઈન્ડસ્ટ્રીઝમાં ટ્રીટેડ પાણી નો ઉપયોગ કરવા સૂચવેલ છે.
નારોલ તથા દાણીલીમડા વિસ્તારની અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રીન્ટીંગ એસોસીએશન, કર્ણાવતી ટેક્ષટાઇલ એસોસીએશન તથા નારોલ ટેક્ષટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાયરો મેનેજમેન્ટની ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીઝને તેઓની જરૂરીયાત મુજબ તેમજ ગ્રાઉન્ડ વોટર કન્ઝર્વેશન કરવાના હેતુથી ૧૬૦ એમ એલ.ડી ટર્શરી ટ્રીટેડ સુએજ પુરુ પાડવા માટે જુના પીરાણા ખાતે હયાત ૧૦૬ એમ.એલ.ડી. એસ.ટી.પી.ની જગ્યાએ નવો ૨૪૦ એમ.એલ.ડી. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૧૬૦ એમ.એલ.ડી.
ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટ્રીટેડ સુએજના સ્ટોરેજ માટેની ટેન્ક અને તેનાં નારોલ, દાણીલીમડા અને કર્ણાવતી ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનની ઇન્ડસ્ટ્રીઝ માટે ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાંખવાની કામગીરી અંતર્ગત ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવા તથા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનો સાથે ટ્રીટડ સુએજ વાપરવા અંગે એમ.ઓ.યુ. કરવા ની કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં કરવામાં આવીરહેલ છે. જે અંતર્ગત આશરે રૂ. ૯૫૧/- કરોડના ડી.પી.આર મંજુરી માટે મૂકવામાં આવ્યા છે.