Western Times News

Gujarati News

સુરતમાં ગેરેજમાં અચાનક લાગી આગઃ પાર્ક કરેલી છ કાર રાખ

સુરત, સુરત નાનપુરા વિસ્તારમાં સોમવારે ગત મોડી રાત્રે આગની ઘટના બની હતી. ભીષણ આગમાં ગેરેજમાં રિપેરિંગ માટે આવેલી ૬ કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. ફાયર બ્રિગેડને કોલ મળતાં જ બે ફાયર સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને બે કલાકે આગને કાબુમાં લીધી હતી.

નાનપુરા ઝમરૂખ ગલીમાં મધરાત્રે એક ગેરેજ બહાર પાર્ક કરેલી ૬ કારમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. રાહદારીએ આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયરના લાશ્કરો ફાયર ટેન્ડર્સ સાથે દોડી ગયા હતાં. અડાજણ અને મુગલીસરા ફાયર સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગને કાબૂમાં લેતા કારની આગને કારણે ગેરેજને આગમાં સ્વાહા થતા બચાવી લીધું હતું.

ફાયર ઓફિસર બળવંતભાઈએ જણાવ્યું હતું કે, આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથઈ. અલબત્ત, તમામ કાર જૂની હતી અને રિપેરિંગ માટે આવી હતી. આ ઘટના લગભગ મધરાત્રે ત્રણ વાગ્યે બની હતી. એક સાથે ૬ કાર સળગી રહી હોવાનો કોલ મળતા જ બે ફાયર સ્ટેશનના ત્રણ ફાયર ટેન્ડર્સ મોકલવામાં આવ્યા હતાં.

આગની જ્વાળા દૂરથી જ દેખાઈ રહી હતી. ઘટના સ્થળે પહોંચતા જ સતત પાણીનો મારો ચલાવી બે કલાકમાં આગને કંટ્રોલ કરી દેવાઈ હતી. જોકે, ગેરેજને સળગતા બચાવવામાં સફળ રહ્યા હતા. આગમાં તમામ પાર્ક કરેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

ફાયર બ્રિગેડને ફોન કરનાર ફિરોઝ નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે, ઘટના સમયે તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. મારા અવલોકન પ્રમાણે થોડે દૂર કેટલાક યુવકો આતશબાજી અને ફટાકડા ફોડી રહ્યા હતા. કદાચ કોઈ રોકેટ ઉડીને આ પાર્ક કરેલી કાર પાસે આવીને પડ્યું હાવેથી આગ લાગી હોય એવી આશંકા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.