શાકભાજી વેચતી મહિલાઓ રેલવે સ્ટેશનમાં ચોરી કરતી CCTVમાં ઝડપાઈ
CCTV કેમેરામાં શંકાસ્પદ દેખાતી મહિલાઓ ચોરી કરવા આવી અને ઝડપાઈ ગઈ
(એજન્સી)અમદાવાદ, રેલવે સ્ટેશનને ગુનાખોરીનું હબ માનવામાં આવી રહ્યું છે, કારણ કે રોજબરોજ ચોરી, લૂંટ, દારૂની હેરફેર તેમજ માદક પદાર્થની તસ્કરી સહિતના ગુના વધી રહ્યા છે. ગુનાખોરીને અંકુશમાં લેવા માટે રેલવે પોલીસ તેમજ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) સહિતની ટીમ એલર્ટ છે તેમ છતાંય કેટલાક લોકો પોતાના ઈરાદા પાર પાડવામાં સફળ થઈ જાય છે.
ગુનાખોરી રોકવા માટે પોલીસ માઈક્રોલેવલે પ્લાનિંગ કરે છે અને નવા નવા નિયમો લાગુ કરીને કામગીરી કરી રહી છે. કાલુપુર રેલવે સ્ટેશનમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને પોલીસની સતર્કતાના કારણે નડિયાદમાં શાકભાજી વેચીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવતી બે મહિલાઓ ચોરી કરતી હોવાનો પર્દાફાશ થયો છે. મહિલાઓ નડિયાદથી ટ્રેન મારફતે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર આવતી હતી. ત્યારબાદ ભીડનો લાભ લઈને મહિલાઓના પર્સમાંથી કીમતી દાગીના તેમજ સરસામાનની ચોરી કરીને નાસી જતી હતી.
રેલવે સ્ટેશનમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ તેને હાઈ સિક્યોરિટી ઝોન ગણવામાં આવે છે. રેલવે સ્ટેશનમાં રોજ લાખો મુસાફરો આવે છે. રેલવે સ્ટેશન પર ગુજરાત પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્શ (આરપીએફ) તહેનાત છે ત્યારે હાઈ ડેફિનેશનના સીસીટીવી કેમેરા પણ ઠેર ઠેર લગાવેલા છે.
ચોર, લૂંટારૂ તેમજ તસ્કરીને રોકવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે તેમ છતાંય ઘટનાઓ બનતાં અટકતી નથી. રેલવે પોલીસે બે એવી મહિલાઓની ધરપકડ કરી છે, જે ભીડનો લાભ લઈને ચોરી કરવામાં માહેર છે.
કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એસ.બી. ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ જુવાનસિંહ, હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ, સહદેવભાઈ, રઘુભાઈ સહિતની ટીમે નડિયાદમાં રહેતી મીના ડબાવાળા અને જ્યોત્સના લસણિયાની ધરપકડ કરી છે.