બોલિવુડના એક્ટર પંકજ ત્રિપાઠી હવે બ્રેક લેવા માગે છે
મુંબઈ, એક્ટર પંકજ ત્રિપાઠી આ સમયના સૌથી વ્યસ્ત એક્ટર પૈકી એક છે. છેલ્લાં ૩ વર્ષમાં લગભગ ૧૪ ફિલ્મો કર્યા બાદ પંકજ હવે બ્રેક લેવા માગે છે. એક ઇન્ટરવ્યૂમાં પંકજે કહ્યું છે કે હવેથી તે દરેક ફિલ્મના શૂટિંગ પછી ૩૦ દિવસનો બ્રેક લેશે જેથી કરીને તે અગાઉના ફિલ્મના રોલમાંથી બહાર આવીને આગામી ફિલ્મ માટેની તૈયારી કરી શકે.’
પંકજે કહ્યું, મેં મારું કામ કરવાનું નક્કી કર્યું છે. મને લાગ્યું કે હવે વધી ગયું છે, કોઈપણ વ્યક્તિએ આટલું કામ ન કરવું જોઈએ. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે અને હું મારી શારીરિકતાને બદલી શકતો નથી. આ સ્થિતિમાં મેં નક્કી કર્યું છે કે ૧૦ પ્રોજેક્ટ કરવાને બદલે હવે માત્ર ૩ પ્રોજેક્ટ પર જ કામ કરીશ.
પંકજે ફિલ્મ ‘સ્ત્રી ૨’ના સેટ પરથી એક કિસ્સો શેર કર્યો અને જણાવ્યું કે કેવી રીતે તેમનું કામ ઓવરલેપ થવા લાગ્યું છે. ત્રિપાઠીએ કહ્યું, ફિલ્મ મૈં અટલ હુંનું શૂટિંગ પૂરું કર્યા પછી હું બીજા જ દિવસે સ્ત્રી ૨ના સેટ પર પહોંચી ગયો. શૂટિંગના પહેલા જ દિવસે ડિરેક્ટર અમર કૌશિક મારી પાસે આવ્યા અને કહ્યું – અટલ જી જ લાગી રહ્યાં છો…. મેં પૂછ્યું હવે મારે શું કરવું જોઈએ? તેથી અમરે મને એક દિવસની રજા આપી અને મને કહ્યું કે ઘરે જઈને સ્ત્રીને જુઓ અને આરામ કરો.
પંકજે વધુમાં જણાવ્યું હતું કે, આ પછીથી મને સમજાયું કે આવી તૈયારી વિના એક સેટથી બીજા સેટ પર જવું ખોટું છે. મને લાગે છે કે દરેક ફિલ્મ શરૂ કરતા પહેલાં મારે ૩૦ દિવસનો ગેપ લેવો જોઈએ. જૂના પાત્રને ભૂલી જવા માટે ૧૦ દિવસ, પરિવારને સમર્પિત કરવા માટે ૧૦ દિવસ અને નવા રોલની તૈયારી માટે ૧૦ દિવસ. અને હવેથી હું આટલું જ કરીશ.
વર્ષો સુધી કામ કર્યા પછી પંકજ હવે પ્રોફેશનલ રીતે તે તબક્કે પહોંચ્યો છે જ્યાં તે નવા કામને નકારી શકે છે અથવા પોતાની મરજી મુજબ તેમના રોલ પસંદ કરી શકે છે. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘પહેલાં મારા પર ઘણી જવાબદારીઓ હતી, તેથી હું પૈસા કમાવવા માટે દરેક પ્રકારના કામ કરતો હતો. હવે પરિસ્થિતિ જુદી છે.
પૈસાનું જીવનમાં ખાસ મહત્ત્વ નથી તે કહેવા માટે પણ પૈસા હોવા ખુબ જ જરૂરી છે. જ્યારે તેમની પાસે પૈસા હોય ત્યારે જ માણસ આ કહી શકે છે અને ગહન અનુભવ કરી શકે છે.SS1MS