લોટરી પર ૨૮ ટકા GST અમલી કરવાનો નિર્ણય
નવીદિલ્હી: જીએસટી કાઉન્સિલની આજે અતિ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે જીએસટી કાઉન્સિલે લોટરી માટે ૨૮ ટકાના યુનિફોર્મ ટેક્સ રેટ નક્કી કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. બીજી બાજુ જીએસટીઆર-૯ ભરવા માટેની સમય મર્યાદા ૩૧મી જાન્યુઆરી કરી દેવામાં આવી છે.
લોટરી પર પહેલી માર્ચ ૨૦૨૦થી ૨૮ ટકા જીએસટી લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે ઔદ્યોગિક પાર્કની સ્થાપનામાં મદદ માટે ઔદ્યોગિક ભુખંડોના દીર્ઘકાલીન પટ્ટા પર જીએસટીને દૂર કરવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્રીય મહેસુલ સચિવ દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં આજે જીએસટી કાઉન્સિલે ની બેઠક યોજાઈ હતી. હાલમાં રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી લોટરી પર ૧૨ ટકા જીએસટી લાગૂ થાય છે. હવે લોટરી પર ૨૮ ટકા જીએસટી રહેશે. પહેલી માર્ચ ૨૦૨૦થી આને અમલી કરવામાં આવશે.
આ ઉપરાંત અન્ય અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જુલાઈ ૨૦૧૭થી જીએસટીઆર-૧ દાખલ નહીં કરવા માટે પેનલ્ટીને હળવી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉની અને બિનઉની બેગ માટે યુનિફોર્મ ૧૮ ટકાનો રેટ નક્કી કરવામાં આવ્યો છે. કાઉન્સિલેની બેઠકને લઇને પહેલાથી જ ચર્ચા ચાલી રહી હતી. વણેલા અને બિનવણેલા થેલા ઉપર જીએસટી રેટ ૧૮ ટકા રહેશે.
અર્થતંત્રમાં મંદી વચ્ચે આજે જીએસટી કાઉન્સિલેની બેઠક યોજાઈ હતી. ગ્રાહકોની સાથે સાથે ઇન્ડસ્ટ્રી પણ હાલમાં ભારે દબાણ હેઠળ છે. રેવેન્યુમાં થઇ રહેલા ઘટાડાની સાથે સાથે જીએસટી રેટમાં વધારાને લઇને સૂચનો થઇ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલેની બેઠક આજે મળી હતી જેમાં જીએસટીની સમીક્ષા, જુદી જુદી વસ્તુઓ ઉપર વળતર સેસના દરો સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. જીએસટી કાઉન્સિલેની બેઠક એવા સમયે મળી છે જ્યારે જીએસટી વળતરની ચુકવણીમાં વિલંબ થઇ રહ્યો છે. વળતર જારી કરવાની શરૂઆત રાજ્ય તરફથી કરવામાં આવી ચુકી છે.
સેન્ટ્રલ જીએસટી વસુલાત એપ્રિલ-નવેમ્બરના ગાળા દરમિયાન ૪૦ ટકા સુધી બજેટ અંદાજથી ઓછી રહી છે. આ બેઠકમાં આ વખતે પરોક્ષ કરવેરામાંથી મહેસુલને વધારવા કયા પગલા લેવામાં આવે તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં મળનારી જીએસટી કાઉન્સિલેની આ બેઠક ૩૮મી બેઠક હતી. વળતર સેસ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉપર આમા ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી નવા જીએસટી રિટર્ન માટેના માળખાને વધુ સરળ કરવાનો મુદ્દો પણ છવાયો હતો. જીએસટી કાઉન્સિલેની બેઠકમાં જુદા જુદા રાજ્યો તરફથી ઉલ્લેખનીયરીતે રજૂઆત કરવામાં આવી હતી.