સુરતના હીરાના વેપારીએ ૧૧ કરોડનો મુકુટ દાન કર્યો
સુરત, ૫૦૦ વર્ષોથી જે ઘડીની રાહ જાેવાઈ રહી હતી તે ઘડી ગઈ કાલે પૂર્ણ થઈ. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપૂર્ણ થઈ ચૂક્યો છે અને રામલલા પોતાના જન્મસ્થાન પર બિરાજમાન થઈ ગયા છે. સંધ્યા સમયે દેશવાસીઓએ ભગવાન રામના પુનરાગમનની ઉજવણી કરતા ‘દિપ’ પ્રગટાવીને ‘દિવાળી’ની ઉજવણી કરી હતી.
૫૧ ઈંચની મૂર્તિની પ્રથમ ઝલક ખૂબ જ મનમોહક છે. રામલલાની મૂર્તિને માથાથી પગ સુધી આભૂષણોથી સજાવવામાં આવી છે. હાથોમાં સોનાનું ધનૂષ-બાણ છે તો માથું ચાંદી અને લાલ તિલકથી સુશોભિત છે. અનેક ભક્તો ભગવાન રામને કિંમતી વસ્તુઓ અર્પણ કરી રહ્યા છે. કોઈ એક કિલો સોનું દાન કરી રહ્યા છે તો કોઈ સોનાનો મુગટ દાન કરી રહ્યા છે.
ગુજરાતમાંથી સુરતના હીરા વેપારી પણ આ લિસ્ટમાં સામેલ છે. અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં સ્થાપિત રામલલાની મૂર્તિ માટે તેમણે એક મુગટ દાન કર્યો છે જેની કિંમત ૧૧ કરોડ રૂપિયા છે. આ મુગટને નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.
સુરતના વેપારીએ ભગવાન રામને સોના, હીરા અને કિંમતી રત્નોથી જડિત ૬ કિલો વજનનો મુગટ અર્પણ કર્યો છે. આ મુગટમાં નીલમ સહીતના હીરા લગાવવામાં આવ્યા છે. આ વેપારીનો આખો પરિવાર અયોધ્યા પહોંચ્યો હતો અને મંદિર ટ્રસ્ટના અધિકારીઓને તૈયાર કરવામાં આવેલો મુગટ ભેટ કર્યો હતો. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન રામ મંદિરના મુખ્ય પૂજારી અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચંપત રાયને આ મુગટ સોંપવામાં આવ્યો હતો. હવે આ મુગટને ભગવાન ધારણ કરશે. SS2SS