SGST ભવનમાં અધિકારીઓ પર લાગ્યો કમિશન માંગવાનો આરોપ
સુરત, સુરતનાં એસજીએસટી ભવનમાં વ્યાપક ભ્રષ્ટ્રાચારને લઈ ચાર્ટ એકાઉન્ટન્ટ્સ એસોસિયેશન દ્વારા ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં જીએસટીના અધિકારીઓ વેપારીઓ તેમજ સીએ ઉપરાંત કન્સલ્ટન્ટને ભારે હેરાન પરેશાન કરતા હોવાનું લેખિતમાં ઉચ્ચસ્તરે રજૂઆત કરી હતી. તેમજ જીએસટી ભવનના આસિસ્ટન્ટ કમિશ્નર પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે.
ત્યારે વેપારીઓ દ્વારા નવો નંબર લેવો હોય કે નંબર રદ્દ કરવો હોય તેમાં પણ અધિકારીઓ દ્વારા કટકી કરવામાં આવતી હોવાની એસોસિયેશન દ્વારા કેન્દ્રીય નાણામંત્રી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન ડાયરેક્ટર ટેક્સિસ તેમજ કમિશ્નર સમીર વકીલને રજૂઆત કરવામાં આવતા આવતા કચેરીમાં હડકંપ મચી જવા પામ્યો હતો. તો આ બાબતે ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, આવા કોઈ પણ આક્ષેપો મારા ધ્યાન પર નથી.
તેમજ સીએ એસોસિયેશન દ્વારા રીફંડ મુદ્દે અધિકારીઓ દોઢથી બે ટકાની માંગ કરતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારે રિફંડની રકમ મોટી હોવાથી અમુક વેપારીઓ પોતાનાં રૂપિયા કઢાવવા માટે ટકાવારી આપવા રાજી થઈ જતા હોય છે.
રજીસ્ટ્રેશન માટે અરજી કરનાર વેપારીને ધરમનાં ધક્કા ખાવાનો વારો આવે છે. જેથી ઘણીવાર ૬૦ દિવસે પણ રજીસ્ટ્રેશન મળતું નથી. રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં વેપારીઓને જરૂર ન હોવા છતાં ઓફિસે બોલાવવામાં આવે છે. તેમજ જીએસટી નંબર બંધ કરાવવા માટે પણ વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી હોવાનો પણ આક્ષેપ સીએ એસોસિયેશન દ્વારા કર્યો હતો.