75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગાંધીનગર ખાતે ‘એટ હોમ’ કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં રાજભવન, ગાંધીનગર ખાતે આયોજિત ‘એટ હોમ’ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, અન્ય મહાનુભાવો તથા વિશેષ આમંત્રિતો સાથે ઉપસ્થિત રહ્યા હતા
તેમજ શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું હતું. આ અવસરે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે પ્રશંસનીય અને પ્રેરણારૂપ કામગીરી કરનાર રાજ્યના ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉન્નત, ભવ્ય અને દિવ્ય ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ: રાજ્યપાલશ્રી
જૂનાગઢ ખાતે ૭૫મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એટ હોમ કાર્યક્રમમાં ગણતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલશ્રી
૭૫મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ રહી છે, ત્યારે આ પર્વની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં એટહોમ કાર્યક્રમ યોજાયો હતો.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, રાજ્ય પોલીસવડા શ્રી વિકાસ સહાય વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે રાજ્યપાલશ્રીએ સૌને ૭૫મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. એટહોમ કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, દેશ અત્યારે ઉન્નતિના માર્ગે અગ્રેસર બની રહ્યો છે. રામ મંદિરની સ્થાપના સાથે દિવ્ય અને ભવ્ય ભારતના નિર્માણનો સંકલ્પ પણ સાકાર થયો છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ એ પાવન અને ઐતિહાસિક નગર છે. આ નગર ચંદ્રગુપ્ત મૌર્ય અને તેના પૌત્ર અશોકનું રાજ્યનો ભાગ રહ્યું હતું. હજારો વર્ષ સુધી પ્રતાપી રાજાઓના નેતૃત્વમાં આગળ વધતા આ પરંપરા મુગલ શાસન અને અંગ્રેજ શાસન સુધી ફેલાયેલી છે. ગુલામીના કાળખંડમાંથી બહાર લાવવા માટે અને આપણને સ્વતંત્રતા અને મુક્તિ અપાવવા માટે જે ક્રાંતિકારીઓએ પોતાના જીવ અર્પણ કર્યા છે, તેમને યાદ કરવાનો આ અવસર છે. આ ક્રાંતિકારીઓએ પોતાની સુખ સાહ્યબી ત્યાગીને દેશની ગરિમા વધારવા માટે કંટકો ભર્યો મુશ્કેલ માર્ગ પસંદ કર્યો હતો. જેમણે ફાંસીના ફંદાને ચૂમ્યો તેવા ક્રાંતિકારીઓને પ્રણામ કરવાનો અવસર છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારત આજે ચારેય દિશામાં સર્વાંગી વિકાસ કરી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ છેલ્લા ૧૦ વર્ષથી આંતરમાળખાકીય વિકાસ, શિક્ષણ, ઉદ્યોગમાં અપ્રતિમ વિકાસ સાધી રહ્યો છે. એક સમય એવો હતો કે, જ્યારે આર્મીના ટ્રક આયાત કરવા પડતા હતા, જ્યારે આજે દેશમાં ફાઇટર જેટ, હેલિકોપ્ટર, કાર્ગોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, તે દેશની ગૌરવસિદ્ધિ છે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં તાજેતરમાં સંપન્ન થયેલી વાયબ્રન્ટ સમિટમાં કરોડો રૂપિયાના એમ.ઓ.યુ. થયા છે. ગુજરાત સેમી કન્ડક્ટર ક્ષેત્રે એમ.ઓ.યુ. કરીને નવીન ક્ષેત્રે ખેડાણ કરી રહ્યું છે. ગુજરાતમાં એટ હોમ સમારોહ પ્રતિ વર્ષ જુદા જુદા જિલ્લામાં કરવાની અનોખી પરંપરા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્થાપિત કરી હતી. જ્યારે દેશના અન્ય ભાગોમાં આજે પણ માત્ર રાજભવનમાં જ તેની ઉજવણી કરવામાં આવે છે. આ રીતે ગુજરાતે એટ હોમની કાર્યક્રમની ઉજવણી માટે પણ દેશના અન્ય રાજ્યોને રાહ ચીંધ્યો છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ભગવાનશ્રી રામ આપણા સૌના પૂર્વજ છે, તેમના જીવનમૂલ્યો આપણા ઘરોમાં અપનાવાય તો અહીં જ સ્વર્ગ બનશે અને સુખ શાંતિની સ્થાપના થશે. આ ભારતીય જીવનદર્શન છે. આજનો સમય ગુલામીની માનસિકતામાંથી ઉપર ઊઠીને, સંસ્કૃતિ, વેશભૂષા, ખાનપાન, જીવનશૈલી પર ગૌરવ કરવાનો સમય છે.
તેમણે કહ્યું હતું કે, આજે દેશ જે દિશામાં આગળ વધી રહ્યો છે, એ મંગળકાળ છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેને અમૃતકાળ નામ આપ્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું છે. જૂનાગઢમાં આયોજિત આ ગણતંત્રના અવસરે આપણે એક સંકલ્પ સાથે આગળ વધવાનું છે કે, આપણે ભારતના ગૌરવ અને ગરિમાને વધારીશું, ભારતને આર્થિક મહાસત્તા બનાવીશું, ભારતને આત્મનિર્ભર ભારત બનાવીશું. સમગ્ર ભારત વિકસિત ભારત બને એ માટે આપણે સૌએ આપણી જવાબદારી સમજવી પડશે. રાષ્ટ્રીય પર્વ એ આપણી ખુશીનું અને પ્રતિભા દર્શાવવાનું પર્વ તો છે જ પરંતુ આપણે જ્યાં આજે ઊભા છીએ એનાથી પણ આગળ વધવાનું પર્વ છે. જો આપણે આજે એવું વિચારશું કે, બસ હવે તો વિકાસ થઈ ગયો તો પ્રગતિ અટકી જશે. જેથી આપણે વધુ મહેનત કરી અને આગળ વધવાનું છે.
આ તકે મહિલા પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાનની ધૂનની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉપરાંત પ્રસંગ અનુરૂપ દેશભક્તિની ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ સમારોહમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, શ્રી સંજયભાઈ કોરડીયા, શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, અધિક મુખ્ય શ્રી સચિવ શ્રી કમલ દયાની, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, પ્રવાસન નિગમના એમ.ડી. શ્રી આલોક પાંડે, પ્રભારી સચિવ શ્રી બંછાનિધિ પાની,
મુખ્ય વન સંરક્ષક શ્રી આરાધના સાહુ તથા કે. રમેશ, જૂનાગઢ જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજેશ તન્ના, રેન્જ આઈ.જી. શ્રી નિલેશ જાજડીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા, ડેપ્યુટી મેયર શ્રી ગીરીશભાઈ કોટેચા, જિલ્લા અગ્રણી સર્વશ્રી કિરીટભાઈ પટેલ, શ્રી પુનિતભાઈ શર્મા, પૂર્વ ધારાસભ્ય સર્વ શ્રી મહેન્દ્ર મશરૂ, શ્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢ જિલ્લાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સંત શ્રી શેરનાથ બાપુ, શ્રી કરસનદાસ બાપુ, શ્રી વિજયદાસજી બાપુ સહિતના વરિષ્ઠ સંતો- મહંતો અને પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
એટ હોમ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિપેદાશોનો સ્ટોલ બન્યો આકર્ષણનું કેન્દ્ર
રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ આયોજિત એટ હોમ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ ઉપસ્થિત મહાનુભાવોનું અભિવાદન ઝીલ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિપેદાશોનો સ્ટોલ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ સ્ટોલમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત કરવામાં આવેલા શાકભાજી, અનાજ-કઠોળ સહિતનાં ખેતપેદાશોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિપેદાશોના સ્ટોલનું પ્રદર્શન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું.