Western Times News

Gujarati News

રાષ્ટ્ર ધ્વજ અને ધર્મ ધ્વજના એકસાથે  દર્શન કરી સોમનાથમાં યાત્રીકો ધન્ય બન્યા

સોમનાથના સાનિધ્યમાં દેશના 75માં ગણતંત્ર પર્વે ધ્વજ વંદન કરવામાં આવ્યું

સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબીંદુ છે.  સોમનાથ મંદિર નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નીર્માણની ચળવળ એક સાથે શરૂ થઇ હતી. ત્યારે આજે આપણો દેશ અને સોમનાથ મંદિર વિશ્વ તરફ ઉન્નત મસ્તકે ભારતીય સંસ્કૃતિના અક્ષય હોવાનો પુરાવો આપી રહ્યા છે.

75’માં ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ, સોમનાથ પરીસરમાં જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે ધ્વજ વંદન યોજાયેલ જેમાં પોલીસ કર્મીઓ, એસ.આર.પી, જી.આર.ડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો જોડાયા હતા. ધ્વજ વંદન બાદ ભારતમાતા અને સરદારશ્રી પ્રતિમાને ભાવાંજલી, પુષ્પાંજલી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરથી આવતા યાત્રીઓ જોડાયા હતા અને ધન્ય બન્યા હતા.

આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ધર્મ ધ્વજ સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. જેના દર્શન કરીને લોકોમાં ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિ સભર વાતાવરણ સર્જાયું હતું. સોમનાથમાં પ્રજાસત્તાક પર્વ પર 2 ધ્વજ ફરકી રહ્યા હતા. એક સોમનાથનો ધર્મ ધ્વજ કે જે આપણી આસ્થા અને અખંડિતતાનો સૂચક છે. એક આપણા સૌનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગો કે જે આપણી વિવિધતામાં એકતાનું પ્રતિક છે.

પ્રજાસત્તાક પર્વે સંદેશ આપતા જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ  જણાવેલ કે,  એક ભારત, શ્રેષ્ઠ ભારત બનવા જઈ રહ્યુ છે ત્યારે સૌ દેશવાસી એક થઈએ તે દિશામા આગળ વધીએ તેવુ આવાહન કરેલ.

26 જાન્યુઆરી એ  75 માં ગણતંત્ર પર્વે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ત્રિરંગા પુષ્પોનો શણગાર કરવામાં આવેલ, સાથે જ સોમનાથ મંદિરને તિરંગા થીમ પર વિશેષ લાઈટીંગ ઈલ્યુમિનેશન કરવામાં આવેલ દર્શનાર્થે આવેલા તમામ ભક્તો રાષ્ટ્રીય તીર્થ સોમનાથમાં દેશભક્તિ અને ધર્મ ભક્તિના દર્શન કરી ધન્ય બન્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.