આગામી પાંચ દિવસ ઠંડી નહીં ગરમીનો પ્રકોપ રહેશે
અમદાવાદ, રાજ્યમાં રાતથી સવાર સુધીમાં ઠંડીનો ચમકારો અનુભવાય છે. જેમ જેમ દિવસ વિતતો જાય છે તેમ તેમ ગરમીનો પણ ચમકારો વધતો જાય છે. ત્યારે રાજ્યમાં આગામી પાંચ દિવસ તાપમાન વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હાલ ગુજરાત પર ઉત્તર પૂર્વથી પૂર્વિય પવનો ફૂંકાઇ રહ્યા છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે, આાગમી પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ધીરે ધીરે બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જેનો અર્થ એમ થાય કે, ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થશે અને ગરમીમાં વધારો થઇ શકે છે.
આ સાથે હવામાન વિભાગની વેબસાઇટ પરથી મળતી માહિતી પ્રમાણે, આજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આજે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. શુક્રવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. રાજ્યના ૧૭ શહેરમાં ૧૫ ડિગ્રીથી પારો નીચે પહોંચ્યો હતો. ૧૦ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ બન્યુ હતુ.
આ સાથે ગાંધીનગર અને વડોદરામાં ૧૧ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે રાજકોટ, ડીસા, ભુજમાં ૧૨ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. અમદાવાદ સહિત ૩ શહેરમાં ૧૩ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.SS1MS