પિતા-પુત્રએ હીરા માર્કેટમાં ઉધારમાં માલ ખરીદી 55 લાખની છેતરપિંડી કરી
હીરાના વેપારી પાસેથી રફ ડાયમંડ લીધા બાદ પેમેન્ટમાં ઠાગાઠૈયા
(પ્રતિનિધિ) સુરત, મહિધરપુરા હિરાબજાર જદાખાડીમાં સુમંગલ બિલ્ડિંગમાં બી. મહેશ એન્ડ કંપનીના માલીક પાસેથી માણીયા પિતા-પુત્રે રૂપિયા ૫૫.૪૮ લાખનો હીરાની કાચી રફનો માલ વેચાણ કરવા માટે લીધા બાદ પેમેન્ટ કે હીરા પરત નહી આપી છેતરપિંડી કરી હતી. ઠગાઈનો ભોગ બનેલા વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મૂળ બનાસકાંઠાના વાવ જીલ્લાના તીર્થગામના વતની અને હાલ સુરત શહેરમાં પાર્લે પોઈન્ટ મેઘમયુર પ્લાઝામાં રહેતા હીરા વેપારી ભરત જંયતી શાહ (ઉ.વ.૫૫) મહિધરપુરા હીરબજાર જદાખાડી ખાતે સુમંગલ બિલ્ડિંગમાં ઓફિસ નં-૩૦૫માં બી મહેશ એન્ડ કંપનીના નામે હીરાનો વ્યવસાય કરે છે. તેઓ પાસેથી હીરા માર્કેટમાં પી.એસ. ઈમ્પેક્ષના નામે હીરાનો વેપાર કરતા નિલેશ કાંતી માણીયા અને
કાંતી સવજી માણીયા (રહે, અક્ષરદિપ સોસાયટી વેડ રોડ સિંગણપોર ચાર રસ્તા) ઉઘારમાં હીરાનો માલ ખરીદી સમયસર પેમન્ટ ચુકવી દઈ વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ ગત તા ૧૫મી જુલાઈ ૨૦૨૩ના રોજ માણીયા પિતા-પુત્ર ભરતને તેમની ઓફિસમાં જઈ તેની પી.એસ. ઈમ્પેક્ષ ફર્મના નામે હીરાની કાચી રફ જેનું વજન ૭૯૬.૦૧ કેરેટ-સેન્ટ જેની એક કેરેટનો ભાવ રૂપિયા ૬,૯૫૪ લેખે કુલ્લે રૂપિયા ૫૫,૪૮,૨૯૨ના મત્તાનો માલ ખરીદ્યો હતો.
આ માલ પિતા-પુત્રએ માર્કેટમાં વેચાણ કે સગેવગે કરી તેમના હીરાનું પેમેન્ટ કે હીરા પરત નહી આપી છેતરપિંડી કરી હતી. મહિધરપુરા પોલીસે ભરત શાહની ફરિયાદ લઈ માણીયા પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.