સંબલપુર IIM ખાતે રંગાવતી સેન્ટર ઓફ એક્સલન્સના ઉદ્દઘાટન સાથે PAN IIM કોન્ફરન્સનો પ્રારંભ
ચાર દિવસીય ૯મી PAN-IIM વર્લ્ડ મેનેજમેન્ટ કોન્ફરન્સનાં IIM સંબલપુર ખાતે શ્રીગણેશ- IIM સંબલપુર ખાતે અયોધ્યા શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા વિધિનું ખાસ સ્ક્રિનિંગ કરાયું
સંબલપુર: IIM સંબલપુર ખાતે ૯મી PAN IIM વર્લ્ડ મેનેજમેન્ટ કોન્ફરન્સ (WMC) ખાતે કેન્દ્રીય શિક્ષણમંત્રી, સ્કિલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગ-સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આ પ્રસંગે ‘રંગાવતી સેન્ટર ફોર એક્સલન્સ ઇન કલ્ચરલ એન્ડ સસ્ટેઇનેબલ મેનેજમેન્ટ’નું ઉદ્દઘાટન કર્યું હતું. ‘રંગાવતી સેન્ટર ફોર એક્સલન્સ ઇન કલ્ચરલ એન્ડ સસ્ટેઇનેબલ મેનેજમેન્ટ’નું ઉદ્દઘાટન કરતાં શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, “આ કેન્દ્ર ઓડિશાના સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે એક હબ સાબિત થશે, જેમાં નૃત્ય, ભાવપૂર્ણ ગીતસંગીત, પ્રકૃતિપૂજા અને સમૃદ્ધ ખાદ્ય-સંસ્કૃતિનો સમાવેશ થાય છે. આ કેન્દ્ર પ્રાથમિક રીતે પોતાનું ધ્યાન પશ્ચિમ ઓડિશાની કલા, સાહિત્ય, સંસ્કૃતિ અને ઇતિહાસ અંગેના સંશોધન ઉપર કેન્દ્રિત કરશે અને કાપડ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.”
ઉદ્દઘાટનના સમારંભમાં યુએન ગ્લોબલ કોમ્પેક્ટના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી રત્નેશ ઝા, શ્રી એસ.એન.ત્રિપાઠી, ડીજી, આઈપીએ, નવી દિલ્હી અને શ્રી રોમલ શેટ્ટી, સીઈઓ, ડેલોઇટ વગેરેએ હાજરી આપી હતી. તો, પ્રો. બી.એસ. સહાય, ડિરેક્ટર, આઈઆઈએમ જમ્મુ, પ્રો. કુલભૂષણ બલૂની, ડિરેક્ટર આઈઆઈએમ કાશીપુર, પ્રો. ભીમારાયા મેત્રી, ડિરેક્ટર આઈઆઈએમ નાગપુર તથા પ્રો. પવન કુમાર સિંઘ, ડિરેક્ટર આઈઆઈએમ ત્રિચી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંબલપુર આઈઆઈએમના ડિરેક્ટર પ્રો. મહાદેવ જયસ્વાલે ૩ડીનાં વિક્ષેપો, ડિજિટલાઇઝેશન, ડિકાર્બોનાઇઝેશન તથા બિઝનેસના લોકશાહીકરણ ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે, “આજે વિશ્વ બદલાઈ રહ્યું છે અને વિશ્વ ત્રણ ડી-એસ દ્વારા વિક્ષેપ પામે છે. ડિજિટલાઇઝેશનના કારણે વિક્ષેપ, ડીકાર્બનાઇઝેશનના કારણે વિક્ષેપ અને વ્યવસાયના લોકશાહીકરણના લીધે વિક્ષેપ.” તેમણે યુઆઈડીએઆઈ તથા યુપીઆઈ જેવી પહેલોને ટાંકીને ડિજિટલ વિક્ષેપોમાં વિશ્વનું નેતૃત્વ કરવાની ભારતની ક્ષમતા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું કે, વસાહતીકરણ પહેલાં ભારત પાસે વિશ્વના જીડીપીના ૩૨ ટકા હતા. નવીનતા, ટકાઉપણું અને ૩-ડી દ્વારા અમે તેને પાછું પ્રાપ્ત કરી શકીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, આઈઆઈએમ, સંબલપુર ખાતે માનનીય મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ઉદ્દઘાટન પામેલા રંગાવતી સેન્ટરમાં રાજ્યની જીવંત કલા અને સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે એક ઓપન થિયેટર હશે. આ પ્રયાસ સ્થાનિક સમુદાય સાથે નોંધપાત્ર બંધન બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. પ્રાદેશિક વિકાસ અને વિવિધતાને સ્વીકારવા તથા તેનું જતન કરવાનું કેટલું મહત્ત્વ છે, તે પ્રકાશિત કરે છે.”
સમારોહના મુખ્ય અતિથિ સીઈઓ, ડેલોઇટ દક્ષિણ એશિયા, શ્રી રોમલ શેટ્ટીએ સહયોગ, ટકાઉપણું તથા ડિજિટલ ગવર્નન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતના વિકાસનાં વિવિધ પાસાંઓમાં નવીનતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શ્રી શેટ્ટીએ ચંદ્રયાન, માલ્કમ મેકલિનના કન્ટેનરાઇઝેશન તથા લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં ક્રાન્તિ લાવનાર સીએટ જેવી ભારતીય કંપનીઓ જેવાં ઉદાહરણોને જાહેર કરીને નવીનતા માટે સર્વગ્રાહી અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, “ઇનોવેશન એ વૃદ્ધિ, શાસન અને ટકાઉપણા સહિતનો એકદમ મોટો વિષય છે.”
શ્રી શેટ્ટીએ એપલ વૉચને ટકાઉપણા માટે દૂરદર્શી આયોજનના ઉદાહરણ તરીકે તથા ભારતના FASTag તેમજ GST અમલીકરણથી વેઇટિંગ-ટાઇમમાં ઘટાડો, ફ્યૂઅલની બચત તથા ભ્રષ્ટાચારના ભોરિંગને નાથવામાં મદદ મળવામાં નોંધપાત્ર સફળતા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને બહુવિધ ઉકેલો માટે નવીનતા (ઇનોવેશન) લાવવા માટે વિવિધ પરિપ્રેક્ષ્ય સાથે સમસ્યાઓને જોવાનું શીખવાની પ્રેરણા આપી. ભારતમાં રહેલી વિપુલ તકોને ઉજાગર કરીને તેમણે યુવા પેઢીને ભારતમાં રહેવાની તથા ભારતના વિકાસમાં યોગદાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
સમારંભના અતિથિ-વિશેષ શ્રી એસ.એન. ત્રિપાઠી, ડીજી આઈઆઈપીએ, નવી દિલ્હી, દેશમાં આઈઆઈએમની ભૂમિકાના અવકાશ તથા ભારતીય મંત્રાલયોમાં અસંખ્ય વિભાગો અને સંગઠનો તથા સરકારના મૂળભૂત માળખામાં માનસિકતાના પરિવર્તનની અનિવાર્ય જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. એક ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું કે, “ત્રીસ મિલિયન લોકો આ દેશનું સંચાલન કરી રહ્યા છે અને લાઇનમેનથી લઈને ચેરમેન સુધીના ત્રણ કરોડ અમલદારો છે, જે સરકારનો ભાગ છે. તથા ૨૧ આઈઆઈએમ સાથે તેમની માનસિકતાને બદલવી એ એટલું સહેલું કામ નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારતના લોકોનો વિકાસ કરવા માટે આપણે માત્ર આંકડા કરતાં વધારે અંતર્દષ્ટિની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, દિવસ દરમિયાન એક ડોક્ટરલ કોન્સોર્ટિયમ પણ યોજાયો હતો, જે ઊભરતા વિદ્વાનો તથા ડોક્ટરલ ઉમેદવારો માટે એક અમૂલ્ય પ્લેટફોર્મ બની રહ્યું હતું. આઈઆઈએમ સંબલપુરના કોન્ફરન્સ ચેર પ્રો. સુધેન્દર એચ. રાવે અંતમાં આભારવિધિ કરી હતી અને તે સાથે ઉદ્દઘાટન સમારોહનું સમાપન થયું હતું.
યાદ રહે કે, ૪-દિવસીય ૯મી PAN IIM વર્લ્ડ મેનેજમેન્ટ કોન્ફરન્સ (WMC)નું આયોજન આઈઆઈએમ, સંબલપુર ખાતે તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ સોમવારથી તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૪ બુધવાર સુધી કરાઈ રહ્યું છે. તેની થીમ આંત્રપ્રિન્યોરિયલ ઇનોવેશન તેમજ ડિજિટલ ગવર્નન્સ ફોર ઇન્ક્લ્યુસીવ તથા ટકાઉ વૃદ્ધિ છે. હાઈબ્રીડ કોન્ફરન્સમાં આઈઆઈએમ ડિરેક્ટર પેનલ, સીઈઓ પેનલ, CHRO પેનલ, સ્ટાર્ટઅપ ગોળમેજી ચર્ચા-પરિષદ, માન્યતા પેનલ, સંપાદકો સાથેની ક્રિયા-પ્રતિક્રિયા અને સંશોધન-પેપરની પ્રસ્તુતિઓ જોવા મળશે.
આ કોન્ફરન્સમાં ૨૧ IIMના ડિરેક્ટરોને આમંત્રણ આપવામાં આવશે. આ ઇવેન્ટમાં ભારત તથા વૈશ્વિક સ્તરે વિવિધ IIM, IIT, NIT તેમજ અન્ય પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થાઓના સહભાગીઓ જોડાય તેવી અપેક્ષા છે. સમગ્ર કોન્ફરન્સ દરમિયાન લગભગ ૧૦૦૦ રિસર્ચ પેપરો રજૂ કરવામાં આવશે.