વલસાડના રાબડા ગામે “માં વિશ્વંભરી તીર્થયાત્રા” ધામે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી
(પ્રતિનિધિ) વલસાડ, વલસાડના રાબડા ગામે માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામના સ્થાપક શ્રી મહાપાત્રના વરદ હસ્તે ધ્વજવંદન કરી ૭૫માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશના પ્રત્યેક નાગરિકમાં રાષ્ટ્ર ભાવના નિર્માણ થાય તેમજ માતૃભૂમિ પ્રત્યે ઋણ ચુકવવા દરેક પોતાની ફરજ અદા કરે તેવા શુભાશયથી દરવર્ષે આ ધામે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. દેશભક્તિના ગીત સાથે નાના નાના બાળકોઓએ સુંદર અભિયાન કૃતિ રજુ કરી હતી
તેમજ આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો એવા અદભૂત ડાંગી નૃત્યની કૃતિ રાબડા ગામની સાર્વજનિક માધ્યમિક સ્કુલના વિદ્યાર્થીઓએ રજુ કરી હતી.આ ધામ કોઈપણ નાત-જાતના ભેદભાવ વગર વિશ્વભરમાં સનાતન વૈદિક ધર્મ ઉજાગર કરી રહ્યું છે. આ ધામમાં સ્વચ્છતા અને પવિત્રતા દરેક જગ્યાએ નરી આંખે જોવા મળે છે. ‘જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એ કહેવત અહિયાં સાર્થક થયેલી જોવા મળે છે.
આ ધામ સ્વચ્છ ભારત મિશનનું એક મોડેલ બની ચૂક્યું છે. જેથી અહિંયા આવનારા પ્રત્યેક ભાવિક ભક્તો અહીંથી સ્વચ્છતાની પ્રેરણા લઈને જાય છે. ધરતીમાતા સમગ્ર જીવ સૃષ્ટીનું લાલન, પાલન, પોષણ અને રક્ષણ એમ સર્વ કંઈ કરે છે. તેમજ દરેકને આશરો પણ આપે છે. ધરતીમાતા પાસેથી આપણને અન્ન, જળ, વાયુ, ફળ, ઔષધી, વનસ્પતિ, ખનીજ બધું જ પ્રાપ્ત થાય છે.
આ સૃષ્ટીના સર્જનહારા માં વિશ્વંભરીએ સમસ્ત જીવોમાં મનુષ્યને શ્રેષ્ઠ સ્થાન આપ્યું છે. એટલે આ ધરતીમાતાનું રક્ષણ કરવું તેમજ પર્યાવરણનું સંતુલન બનાવી રાખવું એ પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે. આમછતાં આજનો મનુષ્ય પ્રકૃતિ સાથે છેડછાડ કરી પ્રકૃતિનું ઘોર ખંડન કરી રહ્યો છે.