મુનવ્વર ફારૂકીને તેના જન્મદિવસે મળ્યો જીતનો તાજ
મુંબઈ, બિગ બોસના તમામ ફેન્સ જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. બિગ બોસ સીઝન ૧૭ને તેનો વિજેતાને મળી ગયો છે. મુનવ્વર ફારૂકીએ આ શોની ટ્રોફી જીતી છે. સલમાન ખાનના આ શોની સફર ૧૭ સ્પર્ધકો સાથે શરૂ થઈ હતી.
આ દરમિયાન કેટલાક સ્ટાર્સ પણ વાઈલ્ડ કાર્ડ તરીકે શોનો હિસ્સો બન્યા હતા. બધાને પાછળ છોડીને મુનવ્વર ફારૂકી, અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો અને હવે મુનવ્વરે આ શોનું ટાઇટલ જીતી લીધું છે.
તેણે પોતાના જન્મદિવસના અવસર પર આ જીત હાંસલ કરી છે. ૨૮ જાન્યુઆરીએ તે ૩૨ વર્ષનો થયો છે. બિગ બોસની આ સીઝન ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ શરૂ થઈ હતી. આ શો ૧૦૭ દિવસ ચાલ્યો હતો. તેને તેનો વિનર મળી ગયો છે. ગ્રાન્ડ ફિનાલે એપિસોડ ૨૮મી જાન્યુઆરીએ સાંજે ૬ વાગ્યાથી શરૂ થયો હતો. જે બાદ શોમાંથી બહાર થઈ ગયેલા ઘણા સ્પર્ધકો પણ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા.
ટોપ ૫ ફાઇનલિસ્ટ સ્પર્ધકોમાંથી એક પછી એક બાકીના ચાર બહાર થઈ ગયા અને મુનવ્વરે આ સિઝન જીતી લીધી છે. અરુણ મહાશેટ્ટી આ શોમાંથી બહાર નીકળનારા પહેલા હતા. તે પછી અંકિતા લોખંડે અને પછી મન્નારા ચોપરાનો પણ સફાયો થઈ ગયો હતો.
ત્યારબાદ અભિષેક અને મુનવ્વર વચ્ચે મુનવ્વરને સૌથી વધુ વોટ મળ્યા હતા. જેના પછી તેને આ સીઝનનો વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. બિગ બોસ જીતવા પર, મુનવ્વર ફારૂકીને માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ તેની સાથે તેને ૫૦ લાખ રૂપિયાની રોકડ પ્રાઈઝ મની અને એક કાર પણ આપવામાં આવી. આ ટ્રોફીની સૌથી ખાસ વાત એ છે કે તેને શોની થીમ દિલ, દિમાગ અને દમના આધારે તૈયાર કરવામાં આવી છે.
જીત સાથે જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો અને દરેક જગ્યાએ ફેમસ થઈ ગયો છે. તેને ફેન્સ તરફથી ખૂબ અભિનંદન મળી રહ્યા છે.
મુનવ્વર ફારૂકી, અંકિતા લોખંડે, મન્નારા ચોપરા, અભિષેક કુમાર અને અરુણ મહાશેટ્ટી સિવાય આ શોમાં ભાગ લેનારા અન્ય સ્પર્ધકોના નામ છે- વિકી જૈન, ઈશા માલવિયા, જિગ્ના વોરા, નાવેદ સોલે, ઐશ્વર્યા શર્મા, નીલ ભટ્ટ, અનુરાગ ડોભાલ, સના રઈસ ખાન, સોનિયા બંસલ, ખાનઝાદી, સની આર્યા, રિંકુ ધવન.SS1MS