Western Times News

Gujarati News

બલૂચિસ્તાનના લોકો અલગ દેશની માગ કરે છે : પાક.ના વડાપ્રધાન

ઈસ્લામાબાદ, પાકિસ્તાનની સરકાર સામે બલૂચિસ્તાન પ્રાંતના લોકોનો રોષ વધી રહ્યો છે. અહીંયા ઉકળતા ચરુ જેવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે પણ સ્વીકાર્યુ છે કે, બલૂચિસ્તાનના લોકોને પાકિસ્તાન સરકારથી અસંતોષ જ નથી પણ સાથે સાથે તેઓ અલગ દેશની પણ માંગ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં પહેલી વખત મોટા ગજાના કોઈ નેતાએ બલૂચિસ્તાનના લોકો અલગ થવા માંગી રહ્યા છે તે વાતને સમર્થન આપ્યુ છે.

એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કાકરે કહ્યુ હતુ કે, બલૂચિસ્તાનના લોકો ગાયબ થવાની જે પણ ફરિયાદો ઉઠી રહી છે તેના પર સરકાર ધ્યાન આપી રહી છે. પણ મુખ્ય મુદ્દો એ છે કે, બલૂચિસ્તાનના લોકો અલગ ઓળખ માંગી રહ્યા છે અને સમસ્યાનૂ મૂળ આ જ બાબત છે.

કાકરની કબૂલાતે પાકિસ્તાનના રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બલૂચિસ્તાનમાં વિદ્રોહી જૂથો પાકિસ્તાન સરકાર સામે સશસ્ત્ર સંઘર્ષ કરી રહયા છે. ચીન અને પાકિસ્તાનના ઈકોનોમિક કોરિડોરના ભાગરુપે ચીની કંપનીઓ બલૂચિસ્તાનમાં કામ કરી રહી છે અને તે પણ સ્થાનિક લોકોને પસંદ નથી.

બલૂચિસ્તાનના લોકોનુ માનવુ છે કે પાકિસ્તાની સરકાર અમારી ખનીજ સંપત્તિનો ઉપયોગ કરીને બદલામાં અમારુ જ શોષણ કરી રહી છે.
બીજી તરફ પાકિસ્તાન સરકાર સામે અવાજ ઉઠાવનારા લોકો અચાનક જ ગાયબ થઈ રહ્યા હોવાથી પણ બલૂચિસ્તાનમાં લોકોમાં ગુસ્સો છે. જેના પગલે તાજેતરમાં મહિલાઓએ બલૂચિસ્તાનથી ઈસ્લામાબાદ સુધી એક રેલી પણ કાઢી હતી અને તેના કારણે પાકિસ્તાની સરકારને પરસેવો છૂટી ગયો હતો. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.