IAS અધિકારી પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં ગયા -ત્યારે ઘરમાંથી દાગીનાની ચોરી
નશાબંધી વિભાગના ડાયરેક્ટરના ઘરમાંથી દાગીનાની ચોરી
(એજન્સી)અમદાવાદ, ગાંધીનગર નશાબંધી વિભાગના ડાયરેક્ટર એવા આઈએએસ લક્ષ્મણસિંહ ડિંડોડના ઘરેથી ૧૬ તોલા સોનાના દાગીનાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. લક્ષ્મણસિંહ ડિંડોડ તેમના પરિવાર સાથે દાહોદમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા જ્યાં તસ્કરોએ તેમના ઘરને ટાર્ગેટ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
મોટેરા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના બંગ્લોઝમાં રહેતા અને ગાંધીનગર નશાબંધી વિભાગના ડિરેક્ટર લક્ષ્મણસિંહે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ૧૬ તોલા દાગીનાની ચોરીની ફરિયાદ કરી છે. લક્ષ્મણસિંહનો એક પુત્ર શિક્ષણ વિભાગમાં નોકરી છે જ્યારે પુત્રી ગાંધીનગર ખાતે એફએસએલમાં નોકરી કરે છે. લક્ષ્મણસિંહના સંબંધીના ઘરમાં લગ્ન હોવાથી તે ૨૫ જાન્યુઆરીના રોજ દાહોદ ખાતે તેમના વતનમાં ગયા હતા.
તારીખ ૨૮ જાન્યુઆરીના રોજ લગ્ન પ્રસંગ પૂરો થતાં આઈએએસ લક્ષ્મણસિંહ પરિવાર સાથે પરત તેમના ઘરે આવ્યો ત્યારે તેમણે ઘરનો દરવાજો તૂટેલો જોયો હતો. ઘરની અંદરની જઈને લક્ષ્મણસિંહે જોયું તો રૂમમાં રાખેલો સામાન વેરવિખેર હતો અને કબાટ ખુલ્લા હતા. કબાટમાં મૂકેલા ૧૬ તોલા દાગીના ગુમ હતા. જેથી તેમણે તરત જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી દીધો હતો.
આઈએએસના ઘરમાંથી ૧૬ તોલા સોનાના દાગીનાની ચોરી થતાંની સાથે જ પોલીસની ટીમ દોડતી થઈ હતી. ચાંદખેડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ચોર વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે. તસ્કરોએ ૧૬ તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે. જેમાં પોલીસે જૂના ભાવનો ઉલ્લેખ કર્યાે છે.