સૌરભ કુમારે ક્રિકેટ માટે છોડી એરફોર્સની સરકારી નોકરી
નવી દિલ્હી, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ૫ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે આગામી મેચ રમી શકશે નહીં. પસંદગીકારોએ સરફરાઝ ખાન અને વોશિંગ્ટન સુંદરની સાથે સૌરભ કુમારને ટીમમાં સામેલ કર્યા છે. ૩૦ વર્ષના આ ખેલાડીને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.
ઉત્તર પ્રદેશ તરફથી રમતા લેફ્ટ હેન્ડ સ્પિનર સૌરભ કુમારે ઈંગ્લેન્ડ લાયન્સ સામે પોતાના જોરદાર પ્રદર્શનથી પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા. બીજી અનધિકૃત ટેસ્ટ મેચની બીજી ઇનિંગ્સમાં, તેમણે કુલ ૫ વિકેટ લીધી અને મેચમાં ભારત છ ને વિજય અપાવ્યો હતો.
આ ૩૦ વર્ષીય સ્પિનરે ૬૮ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને ૨૭ની એવરેજથી ૨૦૬૧ રન બનાવ્યા છે અને ૨૯૦ વિકેટ લીધી છે. ઉત્તર પ્રદેશ માટે રણજી ટ્રોફી રમવા માટે સૌરભ કુમારે પોતાની એરફોર્સની નોકરી પણ છોડી દીધી હતી. આ ખેલાડીએ આર્મી ટીમ સાથે જ ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું.
સૌરભ કુમારની પસંદગી સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા એરફોર્સમાં કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની રણજી ટીમ તરફથી રમવાની ઈચ્છાને કારણે તેમણે મુશ્કેલ નિર્ણય લીધો અને એરફોર્સની નોકરી છોડી દીધી હતી.
ભારતીય ક્રિકેટ સિસ્ટમમાં, સામાન્ય રીતે જ્યારે ખેલાડીઓ ૩૦ વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તેઓ રાષ્ટ્રીય ટીમ માટે ડેબ્યૂ કરવાનું સપનું છોડી દે છે. દિવંગત બિશન સિંહ બેદીને પોતાના આદર્શ બનાવનાર સૌરભે ક્યારેય હાર સ્વીકારી નથી. તેમણે કહ્યું, “બિશન સર મને કહેતા હતા કે, સખત મહેનત કરવાનું ચાલુ રાખો અને જ્યારે પણ તક મળે ત્યારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે માનસિક રીતે તૈયાર રહો.
હું મારી જાતને ક્યારેય નેટ કે બોલિંગથી દૂર રાખતો નથી. ભારતના ભૂતપૂર્વ ડાબોડી બોલર અને ઉત્તર પ્રદેશના વર્તમાન કોચ સુનીલ જોશીએ પીટીઆઈને કહ્યું હતુ કે, સૌરભ (કુમાર) એક તેજસ્વી ક્રિકેટર છે, તે રમત અને પરિસ્થિતિને સારી રીતે સમજે છે. તે જાણે છે કે તેની લાઇન અને લંબાઈને કેવી રીતે એડજસ્ટ કરવી.
ડોમેસ્ટિક ક્રિકેટમાં ચેતેશ્વર પૂજારા અને મયંક અગ્રવાલ જેવા કેટલાક સારા ખેલાડીઓ સામે તેને બોલિંગ કરવાનો ઘણો અનુભવ છે. સૌરભે હવે તેની બેટિંગમાં પણ સુધારો કર્યો છે અને તે નીચેના ક્રમમાં બેટ વડે યોગદાન આપી શકે છે.’SS1MS