Western Times News

Gujarati News

જોખમી રીતે ચાલુ કાર પર ચઢીને નાચતા યુવાનોનો વીડીયો વાયરલ થતા ચકચાર.!!

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા નજીક આવેલ લીલેસરા ચોકડી પરથી જોખમી રીતે ચાલુ કાર પર ચઢીને નાચતા યુવાન જાનૈયાઓનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે, પોતાના જીવની સાથે અન્ય વાહનચાલકોનો જીવ જોખમાય તે રીતે નાચતા યુવાનો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.

હાલમાં લગ્નસરાની મોસમ પૂરજોશમાં ખીલી છે, શહેરીનો વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ લગ્નોની ભરમાર જોવા મળી રહી છે, ત્યારે લગ્નના ઉત્સાહના ઉન્મામાં યુવાનો પોતાનું ભાન ગુમાવી બેસે છે, ત્યારે આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક બનવા પામી છે, હાલોલ શામળાજી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી લીલેસરા ચોકડી નજીકથી પસાર થઈ રહેલી એક જાનમાં જોખમી રીતે નાચતા યુવાનોનો વિડિયો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે,

મુખ્ય હાઈવે પર આગળ ડીજે સાથેનો ટેમ્પો જઈ રહ્યો હતો, જેની પાછળ કાર પસાર થઈ રહી હતી, આ કારના ચારેય દરવાજાએ કેટલાક યુવાનો લટક્યા હતા, તેમજ એક યુવાન કારના આગળના ભાગે ઊભો રહીને નાચી રહ્યો હતો.ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે, આ પ્રકારે પોતાના જીવની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકીને નાચતા યુવાન જાનૈયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે,

સબંધિત વિભાગ ધ્વારા તાત્કાલિક કારચાલક અને યુવાનો સામે પગલા ભરાય તેવી માંગ ઉઠવા પામી છે.ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન કરવા જતી જાનોમાં યુવાનો આ પ્રકારે યુવાનો ભાન ભૂલી જઈને અસભ્ય વર્તન કરતા હોય છે, ત્યારે આવા તત્વો સામે કાર્યવાહી કરીને સમાજમાં દાખલો બેસાડવામાં આવે તે જરૂરી બન્યું છે, પોલીસ ધ્વારા કારના નંબરના આધારે કારચાલકની શોધખોળ હાથ ધરાય તે ઇચ્છનીય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.