ડો.મતાઉદ્દીન ચિશ્તીનાં સાનિધ્યમાં પુસ્તક વિમોચન તેમજ મુશાયરાનો કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) હાંસોટ, પાલેજ-વલણ માર્ગ પર આવે એજ્યુકેશન કેમ્પસ ખાતે મોટામિયા માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનાં સુપુત્ર અને ઉત્તરાધિકારી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીનાં સાનિધ્યમાં પુસ્તક વિમોચન તેમજ મુશાયરાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ દાઉદભાઈ પ્રેમી દ્વારા લેખિત તમામ ગઝલોનાં પુસ્તકનું ડો. મતાઉદ્દીન ચિશ્તીનાં હસ્તે વિમોચન કરવામાં આવેલ તથા અજીજ ટંકારવીનાં હસ્તે સંપાદિત સનાતન મૂલ્યની કથાઓનાં પુસ્તકની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી. વિવિધ કવિઓએ સુંદર પંક્તિ રજૂ કરતાં હાજરજનો મંત્રમુગ્ધ થયા હતાં.
આ પ્રસંગે પ્રેમી દયાદરવી કૃતિ ‘નજરાણું’ શાહિદ ઉમરજી કૃતિ ‘હાર્ટ ટુ હાર્ટ’ અઝીઝ ટંકારવી સંપાદિત સનાતન મૂલ્યોની કથાઓની લોકાર્પણ ડૉ. મતાઉદ્દીન ચિશ્તીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ઐયુબભાઇ ઐકુજી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. અનુરૂપ કાવ્યો, ગઝલો ઈમ્તિયાઝ પટેલ વરેડિયાવાલા, અદમ ટંકારવી, અઝીઝ ટંકારવી, ઈમ્તિયાઝ મોદી, પ્રેમી દયાદરવી, પથિક, ઇખર અફ્સોસવી સિતપોણવીએ રજૂ કર્યા હતાં.
અંતમાં ડૉ. મતાઉદ્દીન ચિશ્તીએ વક્તવ્યમાં વિમોચનનાં પ્રયાસોને બિરદાવી આજનાં યુવાનો અને સમાજ સુધારણા માટે સાહિત્યને પ્રેરણાદાયક માધ્યમ ક્હયું હતું. વધુમાં તેમણે પિતાનાં મૂલ્યોનું જતન કરી બ્રિટનમાં જન્મેલાં પ્રેમી દયાદરવીનાં પુત્ર શાહીદભાઇએ પોતાનાં પિતા ગુજરાતી ગઝલોનું અંગ્રેજીમાં રૂપાંતર કરી પુસ્તકરૂપે બહાર પાડેલ હાર્ટ ટુ હાર્ટની અંગ્રેજી અનુવાદની પ્રશંશા કરી અભિનંદન પાઠવ્યા હતાં.