ઓલપાડની અંભેટા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉત્સાહભેર ઉજવણી
(પ્રતિનિધિ) સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની અંભેટા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ઉજવણીનાં ભાગરૂપે શાળામાં નિબંધલેખન, વક્તૃત્વ તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શાળાનાં બાળકોએ બહેનો-બાળાઓ પ્રતિ પોતાની સંવેદનાઓ બ્લેકબોર્ડ પર આલેખી હતી.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય, શિક્ષકગણ તેમજ ‘ઉત્થાન’ સહાયકે બાળકોમાં સ્ત્રીત્વ તેમજ માતૃત્વનાં પ્રથમ તબક્કો ગણાતા બાલિકાઓનાં માનસિક અને શારીરિક રક્ષણ માટે વૈચારીક રીતે પોતાને યોગ્ય નાગરિક બનાવવા માટે હૃદયપૂર્વક પ્રયત્નો કરવાનો સંકલ્પ લીધો હતો.
આ સાથે માનવ સમુદાયનાં અસ્તિત્વ માટે બાળકીઓનું સ્થાન કેટલું મહત્વનું છે તે અંગેની સામાજિક તેમજ વૈજ્ઞાનિક માહિતીઓ પણ બાળકોને પ્રદાન કરવામાં આવી હતી. અંતમાં બાળકોએ પણ પોતાનાં પ્રાસંગિક વિચારો રજૂ કર્યા હતાં.