Western Times News

Gujarati News

અમેરિકાથી માત્ર છ મહિનામાં જ પાછો આવી ગયો મહેસાણાનો યુવક

અમદાવાદ, અમેરિકા જઈ ડોલર કમાવવાની લાલચે રોજેરોજ કેટલાય ગુજરાતીઓ લાખો રૂપિયા ખર્ચીને લીગલી કે પછી ઈલીગલી અમેરિકા જઈ રહ્યા છે, પરંતુ અમેરિકા પહોંચ્યા બાદ કમાણી કરવાને બદલે કેટલાય લોકોને માત્રને માત્ર હેરાનગતી ભોગવવાનો અને અપમાન સહન કરવાનો પણ વારો આવી રહ્યો છે.

મહેસાણામાં રહેતો એક યુવક ઓગસ્ટ ૨૦૨૩માં કંઈક આવી જ ગણતરી સાથે અમેરિકા પહોંચ્યો હતો, પરંતુ તેને ખબર નહોતી કે ત્યાં તેને જીવતેજીવ નર્કનો અનુભવ કરવાનો આવશે. મહેસાણાના આ યુવકે એક એજન્ટને ૩૫ લાખ રૂપિયા આપીને અમેરિકાના વિઝિટર વિઝાનું સેટિંગ કરાવ્યું હતું, અને એજન્ટે તેને અમેરિકામાં નોકરીએ લગાડી દેવાનો પણ વાયદો કર્યો હતો.

જોકે, અમેરિકા પહોંચ્યા બાદ આ યુવકને મહિને માંડ હજાર-બારસો ડોલરના પગારમાં કાળી મજૂરી કરવાના અને રોજેરોજ અપમાન સહન કરવાના દિવસો આવ્યા હતા.

જેને ત્યાં આ યુવક નોકરી કરતો હતો તે માલિકનો ત્રાસ સહન ના થતાં આખરે તેણે હારી-થાકીને નોકરી છોડી દીધી હતી અને બીજે નોકરી શોધવા માટે તે અમેરિકામાં ઠેર-ઠરે ભટક્યો હતો પરંતુ ક્યાંય નોકરીનો મેળ ના પડતાં તેને ફુટપાથ પર રહેવાનો પણ વારો આવ્યો હતો. મહેસાણામાં સામાન્ય નોકરી કરતો બ્રિજેશ પટેલ ગમે તેમ કરીને વિદેશ જવા માગતો હતો.

એકાદ વર્ષ પહેલા તેનો સંપર્ક મુંબઈના એક એજન્ટ સાથે થયો હતો અને તેણે બ્રિજેશને કાયદેસરના વિઝા અપાવી તેને અમેરિકા મોકલવાની ઓફર કરી હતી. બ્રિજેશને અમેરિકા પહોંચ્યા બાદ નોકરી કરીને એજન્ટને પૈસા ચૂકવવાના હતા અને પોતે અમેરિકા પહોંચી ના જાય ત્યાં સુધી તેને ખિસ્સામાંથી એકેય રૂપિયો નહોતો કાઢવાનો.

મહેસાણામાં મહિને માંડ વીસેક હજાર કમાતો બ્રિજેશ આમેય કંટાળેલો હતો, જેથી તેણે ૩૫ વર્ષની ઉંમરે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું અને તેને અમેરિકાના વિઝિટર વિઝા પણ મળી ગયા હતા. અમેરિકા પહોંચ્યા બાદ બ્રિજેશે ટેક્સાસમાં એક મોટેલમાં નોકરી શરૂ કરી હતી, જ્યાં તેને કલાકના પાંચ ડોલર લેખે પગાર મળતો હતો.

જોકે, રહેવા-જમવાનો ખર્ચો કાઢતા બ્રિજેશ પાસે કંઈ ખાસ વધતું જ નહોતું અને તેવામાં એજન્ટને ૩૫ લાખ રૂપિયા ચૂકવવા તેના માટે અશક્ય બની ગયું હતું. અધૂરામાં પૂરૂં જેને ત્યાં તે નોકરી કરતો હતો તે વ્યક્તિ પોતાને ત્યાં કામ કરતા લોકો પાસેથી ઢોરની જેમ કામ કરાવતો હતો અને જરા સરખી ભૂલ થઈ જાય તો પણ સાંભળી ના શકાય તેવી ગાળો ભાંડતો હતો.

આ જ હાલતમાં બે મહિના જેટલો સમય કાઢ્યા બાદ બ્રિજેશ ટેક્સાસની નોકરી છોડીને ફ્લોરિડા ગયો હતો, પરંતુ ત્યાં તેને એક ગેસ સ્ટેશન પર મહિના સુધી મફતમાં કામ કરવું પડ્યું હતું અને પગાર ચાલુ કરવાનો આવ્યો ત્યારે તેને જેટલી સેલેરીની લાલચ આપી ફ્લોરિડા બોલાવાયો હતો તેનાથી ઘણો ઓછો પગાર ઓફર કરાયો હતો.

ફ્લોરિડામાં ફરી બે મહિના સુધી આ રીતે જ હેરાન થયા બાદ બ્રિજેશ પોતાના એજન્ટ સાથે વાત કરીને પાછો ટેક્સાસ ગયો હતો, પરંતુ ત્યાં તેને નોકરી મળી જ નહોતી શકી. આ દરમિયાન બ્રિજેશ પાસે રહેવા-જમવાના પૈસા પણ ના વધતા આખરે તેને ફુટપાથ પર રહેવાનો અને ભીખ માગીને ખાવાનો વારો આવ્યો હતો.

ટેક્સાસમાં એક ઘરબાર વગરના ભીખારીની જેમ દિવસો કાઢવાની નોબત આવતા બ્રિજેશની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેણે બધું છોડીને ઈન્ડિયા પાછા જતા રહેવું હતું, પરંતુ વતન પરત ફરીને ઘરવાળાને પોતે શું મોઢું બતાવશે અને એજન્ટને ૩૫ લાખ રૂપિયા કઈ રીતે ચૂકવશે તે વિચારે અમેરિકા છોડવાની પણ તેની હિંમત નહોતી ચાલી રહી.

આ દરમિયાન ડિપ્રેશનમાં સરી પડેલા બ્રિજેશે તેની પત્નીને પોતાની હાલત અંગે વાત કરતાં પત્નીએ તેને ઈન્ડિયા પાછા આવી જવાની હિંમત આપી હતી. જોકે, પાછા આવવા માટેની ટિકિટ લેવા પણ બ્રિજેશ પાસે પૈસા નહોતા બચ્યા. આખરે બ્રિજેશની પત્નીએ મહેસાણામાં પૈસાની વ્યવસ્થા કરીને તેના માટે ટિકિટ લીધી હતી, અને ત્યારબાદ બ્રિજેશ ઈન્ડિયા પાછો આવી શક્યો હતો.

હજુ થોડા દિવસો પહેલા જ અમેરિકાથી રિટર્ન થયેલા બ્રિજેશે જણાવ્યું હતું કે જો તે અમેરિકાથી પાછો ના આવ્યો હોત તો કદાચ આજે તે જીવતો જ ના હોત.

અમેરિકાની હાલની સ્થિતિ અંગે જણાવતા બ્રિજેશે કહ્યું હતું કે છેલ્લા એકાદ વર્ષમાં ઈન્ડિયાથી એટલા બધા લોકો અમેરિકા આવી ગયા છે કે હવે ત્યાં નોકરીઓ રહી જ નથી. તેમાંય જે લોકો લાખો રૂપિયાના દેવા કરીને તેમજ પોતાના ઘરબાર વેચીને અમેરિકા ગયા છે તેમની હાલત ના ઘરના કે ના ઘાટના જેવી થઈ ગઈ છે.

જોકે, અમેરિકાથી રિટર્ન થયા બાદ પણ બ્રિજેશની તકલીફ જરાય ઓછી નથી થઈ. હવે એજન્ટ તેની પાસેથી ૩૫ લાખ રૂપિયાની ઉઘરાણી કરી રહ્યો છે, પણ બ્રિજેશની હાલત એવી છે કે તેને અમેરિકાથી પાછો બોલાવવા માટે પણ તેની પત્નીને વ્યાજે પૈસા લેવા પડ્યા હતા. અમેરિકામાં બ્રિજેશ છ મહિના રહ્યો હતો, પરંતુ તે ઈન્ડિયા પાછો આવ્યો ત્યારે તેના ખિસ્સામાં ૧૦ ડોલર પણ નહોતા.

બ્રિજેશ જેવા ઘણા ગુજરાતીઓ હાલ અમેરિકા જઈને બરાબરના ફસાયા છે, તેમાંય જે લોકોના અમેરિકામાં કોઈ કોન્ટેક્ટ નથી કે પછી જેમનું કોઈ ઓળખીતું ત્યાં નથી રહેતું તેમની હાલત સૌથી વધારે ખરાબ થઈ રહી છે. જોકે, હકીકત એ પણ છે કે સગા-વ્હાલાના ભરોસે અમેરિકા જઈને પણ ઘણા લોકોને પસ્તાવાનો વારો આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.