ઈંગ્લેન્ડના સ્પિનર્સના સામના માટે ટીમ ઈન્ડિયાનો પ્લાન તૈયાર
વિશાખાપટ્ટનમ, ભારતીય ટીમ હૈદરાબાદની હારનો બદલો લેવાના ઈરાદા સાથે વિશાખાપટ્ટનમના મેદાનમાં ઉતરશે. ભારતીય બેટ્સમેનો વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી ટેસ્ટમાં વળતો પ્રહાર કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. ભારતીય બેટ્સમેનોએ ઈંગ્લેન્ડના સ્પિનરોનો સામનો કરવા માટે એક પ્લાન તૈયાર કર્યો છે.
ભારતીય બેટ્સમેનો મોટે ભાગે સ્વીપ અને રિવર્સ સ્વીપ રમતા જાેવા મળતા નથી. તે પરંપરાગત શોટ રમવામાં વધુ માને છે.
જાે કે બીજી ટેસ્ટ માટે ભારતીય બેટ્સમેનો નવા પ્લાન સાથે મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડના સ્પિનરોનો સામનો કરવા માટે ભારતીય બેટ્સમેનોએ સ્વીપ શોટ અને રિવર્સ સ્વીપ શોટ રમવાની પ્રેક્ટિસ કરી હતી.
કેપ્ટન રોહિત શર્મા સિવાય અન્ય બેટ્સમેનોએ ઈંગ્લેન્ડના સ્પિનરો સામે સ્વીપ શોટ રમ્યા ન હતા. જેનો ફાયદો ઇંગ્લેન્ડના સ્પિનર્સને મળ્યો અને હૈદરાબાદમાં ભારતીય ટીમને ૨૮ રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ભારતીય ટીમની વર્ષ ૨૦૧૩ પછી ઘરેલૂ મેદાન પર ચોથી હાર હતી.
ઇંગ્લેન્ડની ટીમે ભારતીય સ્પિનર્સ સામે સ્વીપ અને રિવર્સ સ્વીપનો શાનદાર ઉપયોગ કર્યો હતો. ગઈકાલે ટીમના પ્રારંભિક નેટ સત્રમાં લય શોધી રહેલા શુભમન ગિલ સ્વીપ અને રિવર્સ સ્વીપ શોટ બંનેની પ્રેક્ટિસ કરતો જાેવા મળ્યો હતો. ગિલ એક એવો ખેલાડી છે જેની પાસે લગભગ તમામ શોટ છે, પરંતુ સીરિઝની શરૂઆતની મેચમાં ખૂબ જ રક્ષણાત્મક હોવા બદલ તેની ટીકા થઈ હતી. જયારે રજત પાટીદાર પણ સ્વીપ અને રિવર્સ સ્વીપની પ્રેક્ટિસ કરતો દેખાયો હતો.
ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું, “ખેલાડીઓએ તેમની તાકાત પ્રમાણે રમવું જાેઈએ. આ (સ્વીપ અને રિવર્સ સ્વીપ) એવી વસ્તુ નથી જેને તમે અજમાવી શકો. તમારે તેની પ્રેક્ટિસ કરવાની જરૂર છે. જાે તમારી પાસે વધુ શોટ હોય તો તે ફાયદાકારક છે. અમે પરંપરાગત રીતે રમીએ છીએ. સીધા બેટ વડે રમવું અને પગનો ઉપયોગ કરવો એ અમારી તાકાત છે. આપણે તેને સારી રીતે કરવાની જરૂર છે.” SS2SS