સ્પિનર જેક લીચ ઈજાને લીધે ભારત સામે બીજી ટેસ્ટ નહીં રમે
વિશાખાપટ્ટનમ, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ પહેલા ઈંગ્લિશ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી સ્પિનર જેક લીચ વિશાખાપટ્ટનમમાં રમાનાર બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ગઈકાલે આ વાતની પુષ્ટિ કરી હતી.
જેક લીચને હૈદરાબાદ ટેસ્ટ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. તે આખી ટેસ્ટ મેચ દરમિયાન પીડામાં દેખાતો હતો. લીચે પ્રથમ ઇનિંગમાં માત્ર ટૂંકા સ્પેલ ફેંક્યા અને બીજી ઇનિંગમાં માત્ર ૧૦ ઓવર ફેંકી અને શ્રેયસ અય્યરની મહત્વની વિકેટ લીધી હતી. સ્ટોક્સે યુવા સ્પિનર શોએબ બશીર માટે સંભવિત ડેબ્યૂનો પણ સંકેત આપ્યો છે, જે વિઝા મંજૂરીમાં વિલંબને કારણે હૈદરાબાદ ટેસ્ટમાં રમી શક્યો ન હતો.
કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું, “તે (જેક લીચ) બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. કમનસીબે, તેના પગમાં હેમેટોમા થયો છે. તે અમારા અને જેક લીચ માટે મોટી શરમની વાત છે, તે પીઠમાં ઈજાને કારણે લાંબા સમય સુધી ટીમની બહાર હતો. તે ઈજા પછી તે પાછો આવ્યો અને પ્રથમ મેચ રમ્યો… સ્વાભાવિક રીતે આ નિરાશાજનક છે. પરંતુ અમે દરરોજ તેનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. તબીબી ટીમ દેખરેખ કરી રહી છે અને આશા છે કે તે બહુ ગંભીર બાબત નથી અને તેને લાંબા સમય સુધી સીરિઝમાંથી બહાર રહેવું નહીં પડે.”
લીચની ગેરહાજરી ઓફ સ્પિનર શોએબ બશીર માટે ટીમના દરવાજા ખોલી શકે છે. વિઝા વિલંબના કારણે મોડા ભારત પહોંચેલ બશીર ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડની રણનીતિ બીજી ટેસ્ટમાં ત્રણ સ્પિનરો અને એક ફાસ્ટ બોલર સાથે જવાની રહેશે, જ્યારે જાે રૂટ ચોથા સ્પિનરની ભૂમિકા ભજવશે. જાે વિશાખાપટ્ટનમની પિચને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડ બે ફાસ્ટ બોલરોને રમાડશે તો રેહાન અહેમદનું પત્તું કપાઈ શકે છે. SS2SS