ગાંધીનગર પાલીકાની ડમ્પિંગ સાઈટ પર ડમ્પર નીચે ૬ વર્ષની બાળકીનું મોત
માસુમ બાળકી ચગદાઈ જવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ
ગાંધીનગર, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડમ્પિંગ સાઈટ પર ડમ્પર ચાલકની બેદરકારીના કારણે છ વર્ષની બાળકીનું ચગદાઈ જવાથી મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટીની લાગણી પ્રસરી ગઈ હતી. બનાવ અંગે સેકટર-ર૧ પોલીસે ડમ્પર ચાલક નિલેશ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર મ્યુનિસિપલ સંચાલિકત શહેરના સેકટર-૩૦ની ડંપિગ સાઈટ કોઈને કોઈ કારણોસર વિવાદમાં સપડાય છે. અગાઉ શંકાસ્પદ રીતે આગ લાગવાની અને કર્મચારીને માર મારવા જેવી ઘટનાઓ સામે આવી હતી. તે પછી આજે કચરો ઠલવતા ડમ્પર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. લેન્ડ ફીલ સાઈટ ઉપર રહેતા દાહોદના શ્રમજીવી દંપતીને છ વર્ષની દીકરીને ગુમાવવાનો આઘાત સહન કરવો પડયો હોવાનો અરેરાટીભર્યો બનાવ બન્યો હતો.
મૂળ દાહોદના વતની બકુલભાઈ સંગાળાના પરિવારમાં પત્ની ટીકુબેન, ૮ વર્ષનો દિકરો અને છ વર્ષની દીકરી અંકિતા હતી. તેઓ પરિવાર સાથે લેન્ડ ફીલ સાઈટ ખાતેના છાપરામાં રહે છે અને કોન્ટ્રાકટ હેઠળ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. બુધવારે સવારે સાતેક વાગ્યે તેઓ છાપરાની બહાર ખુલ્લી જગ્યામાં ટ્રેકટર સાફ કરતા હતા. તે દરમિયાન તેમના કાકા શકુભાઈએ જઈને કહ્યુ હતું કે અંકિતા ઈજાગ્રસ્ત હાલતમાં પડી છે
તેવી જાણ થતાની સાથે બકુલભાઈ સહિત આજુબાજુમાં રહેતા લોકો ત્યાં દોડી ગયા હતા. ત્યાં જઈને જોયું તો તેમની દિકરી અંકિતાને માથામાં ગંભીર ઈજા થવાથી સ્થળ ઉપર મૃત હાલતમાં પડી હતી તેની બાજુમાં ડમ્પર જોવા મળ્યું હતું.
બનાવની જાણ થતાં મ્યુનિસિપલ સેકટર-ર૧ પોલીસ અને અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત અંકિતાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ ત્યારે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.