નાગરિકતા બિલ પર ભારતને મળ્યો ચીનનો સાથ
બેઇજિંગ, નાગરિકતા સંશોધન બિલ પર ભારતને ચીનનો સાથ મળ્યો છે. પાકિસ્તાન ભલે આ મુદ્દે ભારતને બદનામ કરવા માટે ધમપછાડા કરી રહ્યુ હોય પણ ચીને આ મામલે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે. કોલકાતામાં ચીનના કોન્સ્યુલર જનરલ ઝા લિયોઉએ કહ્યુ હતુ કે, આ ભારતનો આંતરિક મામલો છે. ભારત સાથે જોડાયેલો મુદ્દો છે અને ભારતે જ તેનો ઉકેલ લાવવાનો છે. એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા લિયોઉએ કહ્યુ હતુ કે, ચીનને આ મુદ્દે કશું કહેવુ નથી. આ તમારો દેશ છે અને તેનો ઉકેલ પણ તમારે લાવવાનો છે.
તેમણે કહ્યુ હતુ કે, ભારત અને ચીન વચ્ચે હાલમાં બહુ સારા સબંધો છે. કાશ્મીરમાં કલમ 370ના મુદ્દે ભારતને સતત ઘેરવાનો પ્રયાસ કરી રહેલા ચીને આ મુદ્દે સોઈ ઝાટકીને કહી દીધુ છે કે, અમે નાગરિકતા બિલના મુદ્દે બોલવા નથી માંગતા જ્યારે અમેરિકા ભારતને બે વખત નાગરિકતા બિલ પર વણમાંગી સલાહ આપી ચુક્યુ છે.