જમ્મુ-કાશ્મીર ઠેર ઠેર બરફના થર જામતા વાહન વ્યવહાર પર અસર
સતત હિમવર્ષાને પગલે સફેદ ચાદરથી ઢંકાયું જમ્મુ-કાશ્મીર- પરંતુ આ હિમવર્ષામાં પ્રવાસીઓને મજા પડી ગઈ છે
(એજન્સી)શ્રીનગર, જમ્મુ-કાશ્મીરને ધરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે..અને જ્યારે કુદરત મહેરબાન થાય ત્યારે આ ધરતી પરના સ્વર્ગના દ્રશ્યો મનમોહક બની જાય, લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ હિમવર્ષા થતા હાલ ધરતી પરના સ્વર્ગે સફેદ ચાદર ઓઢી લીધી છે, ત્યારે આવો તમને પણ તમને પણ કરાવીએ જમ્મુ-કાશ્મીરના નયનરમ્ય નજારાની રોચક સફર.
બરફના પાટા પરથી દોડતી ટ્રેન, બરફથી ઢંકાયેલું શહેર બરફથી ઢંકાયેલા પહાડો સફેદ ચાદરથી ઢંકાયા વૃક્ષો, રસ્તાઓ પર જામ્યા બરફના થર, સોળેકળાયેલા ખીલેલા ધરતી પરના સ્વર્ગમાં પ્રવાસીઓની મજા, આ દ્રશ્યો કોઈ ફિલ્મના નથી. મોટા ભાગે આવા દ્રશ્યો જોવા મળતા હોય છે ફિલ્મોમાં પણ, પણ આ દ્રશ્યો છે ધરતી પરના સ્વર્ગ કહેવાતા જમ્મુ-કાશ્મીરના જ્યા હાલ પહાડોથી માંડીને મેદાની વિસ્તારો સુધી…જ્યાં નજર કરો ત્યાં દેખાય છે બસ બરફ જ બરફ.
જમ્મુ કાશ્મીર જતા પ્રવાસીઓનું એક જ સપનું હોય છે હિમવર્ષાની મજા માણવી ત્યારે હાલ જમ્મુ કાશ્મીરમાં આવતા પ્રવાસીઓના સપના સાકાર થઈ રહ્યા છે. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ ધરતી પરના સ્વર્ગ પર કુદરત મહેરબાન થયું છે અને પહાડોથી માંડીને મેદાની વિસ્તારો સુધી સતત હિમવર્ષા થઈ રહી છે.
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ, રાજૌરી, પૂંછ જેવા વિસ્તારમાં તો ભારે હિમવર્ષાથી પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે પરંતુ પહાડી વિસ્તાર બાદ શ્રીનગર જેવા મેદાની વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા જોવા મળી રહી છે. રસ્તાઓ બરફથી ઢંકાયેલા જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર બરફના થર જામતા વાહન વ્યવહાર પર અસર પડી રહી છે પરંતુ આ હિમવર્ષામાં પ્રવાસીઓને મજા પડી ગઈ છે.
સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં જોવા મળતા દ્રશ્યો ફેબ્રુઆરી મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી રહ્યા છે. મોડે મોડે થયેલી આ બર્ફવર્ષા જમ્મુ-કાશ્મીરના લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. હિમવર્ષાથી ખેતી સહિત પ્રવાસનને બુસ્ટરડોઝ મળશે.