કુતિયાણાના અમીપુર ડેમના ટલ્લે ચડેલા કામ માટે 5 કરોડ મંજૂર
ધારાસભ્ય કાંધલ જાડેજાની વારંવારની રજૂઆત સફળઃ અનેક ગામના ખેડૂતોને લાભ મળશે
પોરબંદર, રાણાવાવ-કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રી સુધી વારંવારની રજૂઆતો બાદ અંતે કુતિયાણા નજીકના અમીપુર ડેમના વિકાસ માટે પાંચ કરોડ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરી દેવામાં આવી છે.
અમીપુર ડેમનું કાઢીયાનું કામ અગાઉ મંજુર કરાયું ત્યારે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો, પરંતુ કામ નબળું થતું હોવાનું ધારાસભ્યના ધ્યાને આવતા તાત્કાલિક તે અંગેની રજૂઆત કરી હતી અને આ કામ અટકાવી દેવાયું હતું જે તે કોન્ટ્રાકટર એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકી દેવામાં આવી હતી.
અમીપુર ડેમના અધુરા કામને વેગ મળે તો જલ્દી કામ સંપન્ન થાય તો ખેડૂતોને સિંચાઈના પુરતો લાભ મળી શકશે. ધારાસભ્ય કાંધલ જાડેજાએ આ અંગે સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજુઆત કરી હતી તેમને ત્રણ વખત રૂબરૂ મળીને પણ આ અંગે વિગતવાર ફાઈલ તૈયાર કરીને સોંપી હતી. રજૂઆતના પગલે સરકાર દ્વારા અમીપુર ડેમના બંધ પડેલા કાઢીયાના કામ માટે રૂ.પાંચ કરોડ જેવી માતબર રકમ મંજુર કરી આપવામાં આવી છે.
ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે. ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે, અમીપુર ડેમનું અધુરું કામ પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થશે એટલે મહિયારી, કડેગી, રાતિયા, બળેજ, ગરેજ, અમીપુર, સાથો-સાથ ઘેડ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો ખૂબ જ મોટો લાભ થશે તેનાથી આ વિસ્તારમાં પણહવે હરિયાળી ક્રાંતિ સર્જાશેજ આ અંગેની કામગીરી પણ વહેલામાં વહેલી તકે શરૂ થઈ જશે અને આગામી ચોમાસા દરમિયાન આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.